સરકારી સામાન કરાયો સીલ:ખેડૂતોને જમીનનું વળતર ન ચૂકવાતાં ધરોઈ સિંચાઈ વિભાગનું જપ્તી વોરંટ

Gujarat5/12/2026, 1:15:40 AM
સરકારી સામાન કરાયો સીલ:ખેડૂતોને જમીનનું વળતર ન ચૂકવાતાં ધરોઈ સિંચાઈ વિભાગનું જપ્તી વોરંટ
ધરોઈ સિંચાઈ યોજના માટે સંપાદિત કરાયેલી જમીનના વળતર મામલે વિજાપુર સિવિલ કોર્ટના આદેશ છતાં લાંબા સમયથી ખેડૂતોને કરોડો રૂપિયાનું વળતર ચૂકવવામાં ના આવતાં કોર્ટના આદેશથી ધરોઈ ખાતે આવેલી કાર્યપાલક ઈજનેરની કચેરીમાં કોમ્પ્યુટર, પ્રિન્ટર અને AC સહિતનો સરકારી સામાન સીલ કરી દેવામાં આવ્યો હતો. વિજાપુર તાલુકાના જંત્રાલ અને બીલીયા ગામના ખેડૂતોએ જમીન સંપાદનના વધુ વળતર માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. કોર્ટે ખેડૂતોની તરફેણમાં હુકમનામું કર્યું હોવા છતાં ધરોઈ વિભાગ દ્વારા રકમ ચૂકવાઇ ન હતી. વિજાપુર સિવિલ કોર્ટમાં બિલીયાના પટેલ ભરતભાઈ ચીમનલાલના કેસમાં કુલ રૂ. 1,55,60,490નું હુકમનામું થયું હતું. જેમાંથી બાકી નીકળતી રૂ.54,21,233ની રકમ ન ભરાતા જંગમ મિલકત જપ્ત કરવાનો હુકમ કરાયો હતો. જ્યારે જંત્રાલના પટેલ ડાહ્યાભાઇ ચતુરભાઇના કેસમાં રૂ.1,24,12,647નું હુકમનામું થયું હતું. જેમાંથી બાકી નીકળતી રૂ.94,66,374ની રકમ વસૂલવા વોરંટ ઇસ્યુ કરાયું હતું. જે અંતર્ગત ખેરાલુના પ્રિન્સીપાલ સીનીયર સિવિલ જજ આર.વી.સોનીની કોર્ટમાંથી વોરંટ કાઢવામાં આવ્યું હતું.
Read Original Article →