કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક માટે મફત માર્ગદર્શન મળશે:મહેસાણામાં શરૂ થઈ આઈપી એન્ડ ઇનોવેશન લેબ,નવી શોધો- પેટન્ટને મળશે કાનૂની સુરક્ષા
મહેસાણામાં શરૂ કરાયેલી ‘આઈપી એન્ડ ઇનોવેશન લેબ’ દ્વારા બાળકો, વિદ્યાર્થીઓ, યુવાનો, શિક્ષકો, સ્ટાર્ટઅપ્સ, સંશોધકો તેમજ સામાન્ય નાગરિકોને તેમની નવી શોધ અને સર્જનાત્મક કાર્યને કાનૂની સુરક્ષા આપવા માટે નિઃશુલ્ક માર્ગદર્શન સેવા શરૂ કરવામાં આવી છે. શહેરના બીકે રોડ સ્થિત એસ.વી. શાહ વિદ્યાવિહાર સ્કૂલ ખાતે ગુજકોસ્ટ દ્વારા આઈપી ઓફિસરની નિમણૂક કરી આ સેવા કાર્યરત કરવામાં આવી છે. જિલ્લામાં આ પ્રકારનું પ્રથમ નિઃશુલ્ક માર્ગદર્શન લેબ સેન્ટર શરૂ થયું છે, જે બૌદ્ધિક સંપદા અને નવીન વિચારોને સ્ટાર્ટઅપ સુધી પહોંચાડવામાં મદદરૂપ બનશે. આજના સમયમાં ઘણા લોકો પાસે નવી શોધ, ડિઝાઇન, લેખન, પ્રોજેક્ટ અથવા વ્યવસાય માટે અનોખા વિચારો હોય છે, પરંતુ તેને કાનૂની રીતે સુરક્ષિત કરવાની પ્રક્રિયા અંગે પૂરતી જાણકારી ન હોવાને કારણે અનેક સારા વિચારો યોગ્ય ઓળખ વગર રહી જાય છે. ઇલેકટ્રોનિક્સ ક્ષેત્રે સંશોધનમાં સેન્સર જેવી સામગ્રી માટે લેબ સહાયક બનશે લેબના આઈપી ઓફિસર આનંદકુમાર વાઘેલાએ જણાવ્યું કે હાલ મહેસાણા લેબના માર્ગદર્શન હેઠળ એક પેટન્ટ અને એક પુસ્તકના કૉપીરાઇટની પ્રક્રિયા ચાલી રહી છે. ઉપરાંત, ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે સંશોધન કરતા લોકોને સેન્સર જેવી સાધન સામગ્રી માટે પણ લેબ દ્વારા ઉપલબ્ધ સંસાધનોમાંથી સહાય પૂરી પાડવામાં આવશે.
Read Original Article →