ચૂંટણી યોજાશે:પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક માટે 23 મેના રોજ ચૂંટણી

Gujarat5/17/2026, 12:00:00 AM
મહેસાણા જિલ્લા પંચાયતના નવીન પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક માટે આગામી 23 મેને શનિવારના રોજ બપોરે 12 વાગે જિલ્લા કલેક્ટર શૈલેષભાઈ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને ચૂંટણી યોજાશે. દાવેદાર ઉમેદવારો આગળના દિવસે 22 મેના રોજ ઉમેદવારી પત્ર ભરી શકશે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં જિલ્લા પંચાયતની 42 બેઠકો પૈકી બે બિનહરીફ બેઠકો સાથે ભાજપ 38 બેઠકો સાથે પૂર્ણ બહુમત ધરાવે છે અને પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખની બેઠકનો પ્રકાર સામાન્ય એટલે કે જનરલ હોવાથી પ્રમુખ માટે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન પટેલ અને વર્ષો બાદ કોંગ્રેસ પાસેથી કબજે કરેલી લિંચ બેઠકથી વિજેતા બનેલા મનોજ પટેલ મુખ્ય દાવેદાર મનાઇ રહ્યા છે. જ્યારે જ્ઞાતિ સમીકરણ સાચવવા ઉપપ્રમુખ પદ ઠાકોર સમાજને મળી શકે છે. અત્યાર સુધીમાં સૌપ્રથમવાર જિલ્લા પંચાયતના પ્રમુખ માટેની વરણી આ વખતે ચોથા શનિવારે રજાના દિવસે થશે. 23 મેના રોજ યોજાનારી ચૂંટણીને લઇ અધિકારીઓને પણ હાજર રહેવું પડશે. પ્રમુખ અને ઉપપ્રમુખ બનવા ઇચ્છુક ઉમેદવારોએ 22 મેના રોજ બપોરે 2 વાગ્યા સુધીમાં ઉમેદવારી પત્રો ભર્યા બાદ 2 વાગ્યા પછી તેની ચકાસણી કરવામાં આવશે અને જો એક માત્ર ફોર્મ ભરાયું હશે અથવા મુખ્યની સાથે ડમી ફોર્મ ભરાયું હશે તો તેને પાછું ખેંચ્યા બાદ બીજા દિવસે 23 મેના રોજ જિલ્લા પંચાયતના કોમ્યુનિટી હોલમાં બપોરે 12 વાગે બાકી રહેલા એક ફોર્મને આધારે અઢી વર્ષ માટે નવીન પ્રમુખની વરણી કરવામાં આવશે.
Read Original Article →