વારંવાર મોટર-કેબલ બળી જતાં આર્થિક ફટકો:વડસ્મા પંચાયતે 95 હજાર ભર્યા છતાં લોડ નહીં વધારતાં ભરઉનાળે પાણી માટે વલખાં
મહેસાણા તાલુકાના વડસ્મા ગામમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે. ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા જાળવતી વડસ્મા ગ્રામ પંચાયત હાલ UGVCLની કલોલ કચેરીની ઢીલી નીતિનો ભોગ બની રહી છે. વોટર વર્ક્સના વીજ કનેક્શનમાં લોડ વધારવા માટે પંચાયત દ્વારા તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. અંદાજે સવા મહિના પૂર્વે જ રૂ. 95,086 જેટલી માતબર રકમ ભરવા છતાં, વીજ કંપની દ્વારા હજુ સુધી લોડ વધારો આપવામાં આવ્યો નથી. પરિણામે, ઓછા વીજ લોડને કારણે વોટર વર્ક્સની મોટર, કેબલ અને સ્ટાર્ટર જેવા મોંઘા વીજ ઉપકરણો વારંવાર બળી રહ્યા છે. આ સ્થિતિને કારણે પંચાયતની તિજોરી પર વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે. ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ આક્ષેપ કર્યો છે કે, જ્યારે પણ કલોલ કચેરીમાં રજૂઆત કરવામાં આવે ત્યારે અધિકારીઓ દ્વારા માત્ર સંતોષકારક જવાબ આપવાને બદલે ગોળ-ગોળ વાતો કરવામાં આવે છે. બીજી તરફ, UGVCLના અધિકારીએ જણાવ્યું કે કેબલની કામગીરી થઈ છે પરંતુ ટ્રાન્સફોર્મર બદલવાનું બાકી છે. વીજ કંપનીના આ વિલંબને કારણે હાલમાં આખું ગામ ઉનાળામાં પાણી માટે વલખાં મારી રહ્યું છે.
Read Original Article →