મહેસાણાનો વિચિત્ર કિસ્સો:ગરમીના કારણે સસરા સહિત ઘરના તમામ સભ્યો AC વાળા રૂમમાં ભરાઇ રહેતા વહુ રિસાઈને પિયર જતી રહી
મહેસાણાઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો રાહત માટે એસીનો સહારો લે છે, પરંતુ મહેસાણામાં એક પરિવારમાં એસી જ ઘરેલુ કલેશનું કારણ બની ગયું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગરમીથી બચવા માટે લગાવવામાં આવેલું એસી આખરે નવદંપતીના લગ્નજીવનમાં વિલન સાબિત થયું છે અને મામલો વહુના પિયર જવા સુધી પહોંચી ગયો છે. વાત જાણે એમ છે કે, ઉનાળાની શરૂઆત થતાં જ પરિવારમાં રહેલા નવપરિણીત દંપતીએ પોતાના બેડરૂમમાં એસી લગાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરિવારના મોભીએ પણ દીકરા-વહુની સુવિધાને ધ્યાનમાં રાખીને તેમના રૂમમાં નવું એસી લગાવી આપ્યું હતું. શરૂઆતમાં બધું સામાન્ય અને ખુશનુમા વાતાવરણ હતું. પરંતુ જેમ જેમ ગરમીનો પારો ચઢતો ગયો, તેમ ઘરના અન્ય સભ્યો માટે એસી વગરના રૂમમાં રહેવું મુશ્કેલ બન્યું. ઘરમાં માત્ર એક જ રૂમમાં એસી હોવાથી પરિવારના સભ્યોનો મોટાભાગનો સમય નવદંપતીના રૂમમાં પસાર થવા લાગ્યો. કહેવાય છે કે બાદમાં પરિવારના મોભીએ પણ ગરમીથી બચવા માટે દીકરા-વહુના રૂમમાં જ વધુ સમય વિતાવવાનું શરૂ કરી દીધું. આ પરિસ્થિતિ વચ્ચે નવપરિણીત દંપતીને પોતાની પ્રાઇવસી અને વ્યક્તિગત સમય ગુમાવવાનો વારો આવ્યો. ખાસ કરીને પુત્રવધૂ માટે આ સ્થિતિ અસહજ બનતી ગઈ. પોતાના જ રૂમમાં સતત અન્ય સભ્યોની હાજરીને કારણે તે માનસિક રીતે અકળાઈ ગઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સમય જતાં નાની લાગતી આ બાબત આખા પરિવાર માટે તણાવનું કારણ બની ગઈ. રોજની બોલાચાલી અને પ્રાઇવસી મુદ્દે સર્જાયેલા મતભેદો અંતે એટલા વધી ગયા કે પુત્રવધુ કંટાળીને પિયર ચાલી ગઈ છે.
Read Original Article →