મહેસાણા DDOનો વિદાય સમારોહ:ડૉ.હસરત જૈસમીનની ગાંધીનગરમાં થઈ બદલી, નાયબ DDO થયા ભાવુક
મહેસાણાના જિલ્લા વિકાસ અધિકારી ડૉ.હસરત જૈસમીનની ગાંધીનગર ખાતે બદલી થતા જિલ્લા પંચાયતમાં એક ભવ્ય અને ભાવસભર વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ ડૉ. જૈસમીનને સાલ ઓઢાડી અને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કર્યાં હતા અને તેઓ આગામી સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. જિલ્લા કલેક્ટરે ડો.હસરત જૈસમીનની પ્રશંસા કરી
વિદાય સમારોહમાં ખાસ ઉપસ્થિત રહેલા મહેસાણા જિલ્લા કલેક્ટર એસ.કે.પ્રજાપતિએ ડૉ.હસરત જૈસમીનની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, DDO તરીકે ડૉ. જૈસમીનનો કાર્યકાળ અને તેમની કામગીરી ખૂબ જ પ્રશંસનીય રહી છે. તેઓ આગામી સમયમાં પણ નવી જગ્યાએ જનસેવાના કાર્યોમાં અગ્રેસર રહી પ્રગતિના નવા શિખરો સર કરે તેવી કામના વ્યક્ત કરી હતી. નાયબ ડી.ડી.ઓ. હર્ષનિધી શાહ ભાવુક થઈ ગયા
આ પ્રસંગે સંબોધન કરતી વખતે જિલ્લા પંચાયતના નાયબ ડી.ડી.ઓ. હર્ષનિધી શાહ અત્યંત ભાવુક બન્યા હતા. તેમણે લાગણીસભર શબ્દોમાં જણાવ્યું હતું કે, મેં ડીડીઓ સાથે એક વહીવટી અધિકારી તરીકે નહીં, પરંતુ મોટા બેનની જેમ કામ કર્યું છે. તેમની પાસેથી મને માત્ર વહીવટી ક્ષેત્રની બારીકીઓ જ નહીં, પણ વહીવટમાં માનવીય અભિગમ કેવી રીતે રાખવો તેની પણ અમૂલ્ય શીખ મળી છે. તેમણે ભવિષ્યમાં ફરી એકવાર ડૉ. જૈસમીન સાથે કામ કરવાનો મોકો મળે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. જિલ્લા પંચાયતના કર્મચારીઓએ કામગીરીને બિરદાવી
જિલ્લા પંચાયતના કર્મચારીઓએ પણ ડૉ. હસરત જૈસમીનની કાર્યપદ્ધતિને બિરદાવતા જણાવ્યું હતું કે, હંમેશા કર્મચારીલક્ષી અને હકારાત્મક અભિગમ ધરાવતા હતા. તેમના કુશળ માર્ગદર્શન હેઠળ કામ કરવાનો અનુભવ ખૂબ જ સરસ રહ્યો છે અને તેમની ઝડપી નિર્ણય શક્તિમાંથી ઘણું શીખવા મળ્યું છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વાતાવરણ અત્યંત લાગણીસભર અને ભાવુક બની ગયું હતું. આ વિદાય પર્વે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના તમામ નાના-મોટા અધિકારીઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત રહીને વિદાય લઈ રહેલા ડીડીઓ ડૉ. હસરત જૈસમીનને મોમેન્ટો અને સાલ અર્પણ કરી આદરપૂર્વક વિદાય આપી હતી.
Read Original Article →