છઠીઆરડા શાળામાં પુણ્યતિથિ નિમિત્તે તિથિ ભોજન યોજાયું:સ્વ. જયાબેન રબારીની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને ભોજન પીરસાયું
છઠીઆરડા પ્રાથમિક કુમાર શાળામાં મંગળવાર, 7 એપ્રિલ, 2026ના રોજ સ્વ. જયાબેન ગોવિંદભાઈ રબારીની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે તિથિ ભોજન અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભોજન દાતા ગોવિંદભાઈ અરજણભાઈ દેસાઈ (ભુવાજી) અને તેમના નાના ભાઈ કાનજીભાઈ અરજણભાઈ દેસાઈ (કાંટાવાળા)નો પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વ. જયાબેન ગોવિંદભાઈ રબારીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. તેમની સ્મૃતિમાં બે મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું. આ અવસરે દાતા ગોવિંદભાઈ અરજણભાઈ દેસાઈ, કાનજીભાઈ અરજણભાઈ દેસાઈ, શિક્ષક રાજુભાઈ પટેલ, અતુલભાઈ પટેલ અને ચેતનભાઈ મોદીને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા હતા. શાળા પરિવારે દાતાઓના સેવાકીય કાર્ય બદલ આભાર વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે દાતા પરિવારે સતત બીજા વર્ષે પણ વિદ્યાર્થીઓ માટે તિથિ ભોજનનું આયોજન કરીને સેવાભાવનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક કિરણભાઈ દરજી દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય જયપ્રકાશ સથવારાએ દાતા ગોવિંદભાઈ અરજણભાઈ દેસાઈ અને કાનજીભાઈ અરજણભાઈ દેસાઈની શાળાની જરૂરિયાતોમાં મદદરૂપ થવાની ભાવનાને બિરદાવી હતી. તિથિ ભોજન માટે છઠીઆરડા પ્રાથમિક કુમાર શાળા, કન્યા શાળા અને હાઈસ્કૂલના તમામ વિદ્યાર્થીઓ તથા સ્ટાફને આમંત્રિત કરાયા હતા. કાર્યક્રમ બાદ તમામ વિદ્યાર્થીઓને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું, જેનો વિદ્યાર્થીઓએ આનંદ માણ્યો હતો.
Read Original Article →