દીકરીના અભ્યાસ મુદ્દે પતિએ પત્નીને માર માર્યો:સતલાસણાના ભાલુસણા ગામે સામાન્ય મેસેજ બાબતે ઉશ્કેરાઈને હુમલો કર્યો, પોલીસ ફરિયાદ નોંધાઈ

Gujarat6/6/2026, 12:33:04 PM
દીકરીના અભ્યાસ મુદ્દે પતિએ પત્નીને માર માર્યો:સતલાસણાના ભાલુસણા ગામે સામાન્ય મેસેજ બાબતે ઉશ્કેરાઈને હુમલો કર્યો, પોલીસ ફરિયાદ નોંધાઈ
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ભાલુસણા ગામેથી ઘરેલું હિંસાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દીકરીને ભણવા મોકલવા બાબતે સામાન્ય મેસેજ કરવા જેવી નજીવી બાબતમાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢોર માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સતલાસણા પોલીસ મથકે નોંધાવા પામી છે. ભોગ બનનાર પરિણીતાને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. નાની વાતોમાં પતિ પત્નીને માર મારતો હતો ભાલુસણા ગામે દેના બેંકની બાજુમાં રહેતા 33 વર્ષીય મહિલાના લગ્ન આશરે 11 વર્ષ અગાઉ મહેશકુમાર (નામ બદલ્યું છે) સાથે સમાજના રીત-રિવાજ મુજબ થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને બે સંતાનો છે. છેલ્લા છ મહિનાથી પતિ નાની-નાની વાતોમાં ઝગડા કરી મહિલા સાથે મારઝૂડ કરતો હતો, પરંતુ ઘર સંસાર ન બગડે તે હેતુથી પિતાની સમજાવટ બાદ પરિણીતા આ બધું સહન કરતી હતી. દીકરીને ભણવા મોકલવા બાબતે ઝઘડો કરી માર માર્યો દરમિયાન ગત સાંજે સાડા છ વાગ્યાના અરસામાં મહિલાએ તેમના પતિને ફોન પર મેસેજ કરી દીકરીને અમદાવાદ ભણવા મોકલવા બાબતે વાત કરી હતી. આ વાતથી એકદમ ઉશ્કેરાઈ જઈ પતિ ઘરે આવ્યો હતો અને પત્નીને જાહેરમાં બિભત્સ ગાળો આપવા લાગ્યો હતો. ફાલ્ગુનીબેને ગાળો બોલવાની ના પાડતા જ પતિ મારવા પર ઉતરી આવ્યો હતો અને તેમને ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો. એટલું જ નહીં, 'તું મારે જોઈતી નથી, તારા પિતાને ફોન કરી અહીંથી લઈ જવા કહે, નહિતર તને જાનથી મારી નાખીશ' તેવી ધમકીઓ આપવા લાગ્યો હતો. મહિલાએ પતિ સામે ફરિયાદ નોંધાવી આ મારઝૂડ દરમિયાન પરિણીતાએ બૂમાબૂમ કરતા મહોલ્લાના લોકો દોડી આવ્યા હતા અને તેમને વધુ મારમાંથી છોડાવ્યા હતા. ઘટના બાદ ભયભીત થયેલી પરિણીતાએ રાત્રે સતલાસણા ખાતે પોતાના સંબંધીને ત્યાં આશરો લીધો હતો અને પિતાને ફોન કરી જાણ કરી હતી. આજે સવારે પિતા સતલાસણા આવી પહોંચતા, શરીરે અસહ્ય દુખાવો થતો હોવાથી મહિલાને તાત્કાલિક સતલાસણા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા. હોસ્પિટલમાંથી સારવાર લીધા બાદ પરિણીતાએ પિતા સાથે પોલીસ સ્ટેશને પહોંચી પતિ વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →