બહુચરાજીના શંખલપુરમાં શેઢો સળગાવવાની ના પાડતાં ખેડૂત પર હુમલો:બાગાયતી પાક, બાઇક સહિત ₹1.30 લાખનું નુકસાન, મારી નાખવાની ધમકી
બહુચરાજી તાલુકાના શંખલપુર ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પાડોશી ખેડૂતે ના પાડી હોવા છતાં ખેતરનો શેઢો સળગાવતાં લાગેલી ભયાનક આગમાં પાડોશના ખેડૂતનો કિંમતી બાગાયતી પાક, બાઇક અને ટપક સિંચાઇની પાઇપલાઇન બળીને ખાખ થઇ ગયા છે. આ મામલે ભોગ બનનાર ખેડૂતે નુકસાની અંગે ટોકતાં આરોપીએ ઉશ્કેરાઇને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ભોગ બનનારે બેચરાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પવન હોવાથી ના પાડી, તો પણ પાડોશીએ શેઢો સળગાવી દીધો
મળતી વિગતો અનુસાર, શંખલપુર બહુચર નગરમાં રહેતા અને ખેતી તેમજ મિનરલ વોટરનો પ્લાન્ટ ચલાવતા શૈલેષભાઇ પ્રેમજીભાઇ પટેલની શંખલપુર ગામની સીમમાં ડોડીવાળા રોડ પર સર્વે નંબર 2050 વાળી ખેતીની જમીન આવેલી છે. શૈલેષભાઇએ પોતાના આ ખેતરમાં આંબા, ખજૂર, આમળા, મહાગોની અને જામફળ જેવા મોંઘા બાગાયતી વૃક્ષોનું વાવેતર કરેલું છે. તેમની જમીનની બિલકુલ બાજુમાં આવેલી શંકરભાઇ કાનજીભાઇ પટેલની જમીન સુરેશ નાથાભાઇ પટેલ નામનો શખ્સ ભાગીદારીમાં વાવે છે. ગત 18 મેના રોજ બપોરે આશરે 12:00 વાગ્યાના સુમારે શૈલેષભાઇ પોતાના ખેતરમાં હાજર હતા, ત્યારે પાડોશી ખેડૂત સુરેશ પટેલે બંને ખેતરો વચ્ચે આવેલો કચરાવાળો શેઢો સળગાવવાનું શરૂ કર્યું હતું. તે સમયે પવનની ગતિ વધુ હોવાથી શૈલેષભાઇએ આગની ઝાળો પોતાના પાક અને ખેતરમાં પડેલી મોટરસાયકલ સુધી પહોંચવાની ભીતિ દર્શાવી સુરેશ પટેલને શેઢો ન સળગાવવા વિનંતી કરી હતી. જોકે, આ સામાન્ય વાતથી ઉશ્કેરાઇ ગયેલા સુરેશભાઇએ અપશબ્દો બોલીને શેઢા પર આગ લગાવી દીધી હતી. આગની લપેટમાં બાગાયતી પાક, બાઇક અને પાઇપલાઇન બળીને ખાખ
તેજ પવનના કારણે શેઢાની આગ જોતજોતામાં શૈલેષભાઇના ખેતરમાં પ્રસરી ગઇ હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ આગની ઝપેટમાં આવતાં શૈલેષભાઇના ખેતરમાં ઉગાડેલા આંબા, ખજૂર અને આમળા સહિતના બાગાયતના કુલ 15 કિંમતી વૃક્ષો બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા. આ ઉપરાંત, ઝાડની બાજુમાં જ પાર્ક કરેલું તેમનું GJ-12-AL-0150 નંબરનું મોટરસાયકલ તેમજ ખેતરમાં બિછાવેલી ટપક સિંચાઇની મોંઘી પાઇપલાઇન પણ આગની લપેટમાં આવી જતાં સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગયા હતા. આગના કારણે થયેલું અંદાજીક નુકસાન આ ભારે નુકસાની અંગે શૈલેષભાઇએ પાડોશી ખેડૂત સુરેશભાઇને ટોકતાં તે વધુ અસભ્ય વલણ પર ઉતરી આવ્યો હતો અને ફરીથી જાહેરમાં ગાળો બોલી 'તારાથી થાય તે કરી લેજે' તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટ્યો હતો. આ મામલે બેચરાજી પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Read Original Article →