“દીપક...સોરી હું જાઉ છું, મમ્મીને પણ સાથે લઈ જાઉં છું”:ભાભીના ત્રાસથી કંટાળી અમદાવાદની માતા-દીકરી અને દોહિત્રીનો સામૂહિક આપઘાત, સો. મીડિયા પર કરી ચોંકાવનારી પોસ્ટ
કલોલ તાલુકાના પિયજ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી આજે વહેલી સવારે એક જ પરિવારના ત્રણ સભ્યોના હાથ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. અમદાવાદમાં રહેતા અને મૂળ મહેસાણા જિલ્લાના તળેટી (તરેટી) ગામના પ્રજાપતિ પરિવારની માતા, પુત્રી અને માત્ર બે વર્ષની માસૂમ બાળકીએ કેનાલમાં કૂદીને સામૂહિક આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ત્રણેય લાશને બહાર કાઢી પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે ખસેડી આગળની તપાસ શરૂ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ચોંકાવનારો ખુલાસો
પોલીસ તપાસમાં મૃતકોની ઓળખ સંગીતાબેન બચુભાઈ પ્રજાપતિ (માતા), નેહાબેન દીપકભાઈ પ્રજાપતિ (પુત્રી) અને પહલ દીપકભાઈ પ્રજાપતિ (2 વર્ષની દોહિત્રી) તરીકે થઈ છે. આ હૃદયદ્રાવક સામૂહિક આપઘાત પાછળ પારિવારિક કલેશ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. આપઘાત પૂર્વે પુત્રી નેહાએ સોશિયલ મીડિયા પર એક સણસણતી પોસ્ટ મૂકી હતી, જેમાં તેણે પોતાની ભાભી (ધરતી) ના અસહ્ય અને રોજિંદા માનસિક ત્રાસ અંગે અત્યંત ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. “ભાભીએ ભાઈ અને સાસુને ચડામણી કરી ઘર નરક બનાવ્યું”
મૃતક નેહાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં તૂટેલા હૃદયે પોતાની આપવીતી લખતા જણાવ્યું છે કે, તેની ભાભીએ તેના સગા ભાઈને પોતાની જ માતા અને બહેન વિરૂદ્ધ ભડકાવી દીધો હતો. ભાઈ પોતાની માતાને રાખવા તૈયાર ન હોવાથી માતા તળેટી ગામે રહેતી હતી, પરંતુ ભાભીએ ત્યાં પણ શાંતિથી રહેવા દીધી નહોતી. એટલું જ નહીં, ભાભી નેહાના સાસરી પક્ષમાં પણ સાસુને સતત ચડામણી કરતી હતી, જેના કારણે સાસુ પણ નેહાને અવારનવાર ટોણા મારતા હતા. રોજ-રોજના આ માનસિક ત્રાસ અને અપમાનથી કંટાળીને આખરે ત્રણેયે આ આત્યંતિક પગલું ભર્યું હતું. પતિ અને મામા નિર્દોષ હોવાની સ્પષ્ટતા કરી
નેહાએ પોતાની આખરી પોસ્ટમાં સ્પષ્ટ કર્યું છે કે આ આપઘાતના પગલા પાછળ તેના પતિ દીપક, અજય મામા કે ગોરધનભાઈનો કોઈ જ વાંક નથી. તેણે પતિ માટે લખ્યું, "દીપકનો કોઈ વાંક નથી આમાં, સો સોરી દીપક... હવે જાઉં છું." અને ઉમેર્યું કે તે તેની માતાને પણ પોતાની સાથે લઈ જઈ રહી છે. હાલમાં કલોલ પોલીસે સોશિયલ મીડિયા પોસ્ટ અને હાથ બાંધેલી હાલતમાં મળેલા મૃતદેહોના ગંભીર પાસાંઓને ધ્યાનમાં રાખીને કાયદેસરનો ગુનો દાખલ કર્યો છે. એક જ પરિવારની ત્રણ પેઢીએ (માતા, પુત્રી અને દોહિત્રી) એકસાથે વિદાય લેતા પ્રજાપતિ પરિવાર સહિત સમગ્ર પંથકમાં ભારે શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે.
Read Original Article →