મહેસાણા એલસીબીને મોટી સફળતા:અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાંથી 15 એક્ટિવા ચોરી કરનાર શખ્સ ઝડપાયો

Gujarat5/27/2026, 1:26:26 PM
મહેસાણા એલસીબીને મોટી સફળતા:અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાંથી 15 એક્ટિવા ચોરી કરનાર શખ્સ ઝડપાયો
મહેસાણા જીલ્લા સહિત અમદાવાદ શહેર અને ગાંધીનગર જીલ્લામાં વણશોધાયેલ એક્ટિવા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. એલસીબીની ટીમે ડુપ્લીકેટ ચાવીથી વાહનોની ચોરી કરતા એક સાતિર ચોરને ઝડપી પાડી તેની પાસેથી કુલ રૂપિયા 3,83,000ની કિંમતના 15 એક્ટિવા રીકવર કર્યા છે. પોલીસે વોચ ગોઠવીને શંકાસ્પદ એક્ટિવાચાલકની અટકાયત કરી મહેસાણા પોલીસ ઇન્સપેક્ટર એ.એમ.કામળીયાના માર્ગદર્શન હેઠળ એલસીબીની અલગ-અલગ ટીમો મિલ્કત વિરૂદ્ધના ગુના અટકાવવા અને વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન એલસીબી ટીમના પીએસઆઈ એ.ડી.કાકરેચા સહિતનો સ્ટાફ સતલાસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગમાં હતો ત્યારે હેડ કોન્સ્ટેબલ રશ્મેન્દ્રસિંહ અને પ્રદિપકુમારને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે, કોઠાસણા ગામ તરફથી એક શખસ નંબર પ્લેટ વગરનું સફેદ કલરનું એક્ટિવા લઇને સતલાસણા તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને શંકાસ્પદ એક્ટિવા સાથે દરજી મહેશભાઇ બાબુભાઇ ખુશાલભાઇ (ઉં.વ-40, રહે. ઉમરી, દરજી મોટોવાસ, તા-સતલાસણા, જી-મહેસાણા) ને પકડી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી રૂપિયા 35,000 નું એક્ટિવા જપ્ત કરી આગવી ઢબે પૂછપરછ શરૂ કરી હતી. પોલીસે જુદી-જુદી જગ્યાએ છુપાવી રાખેલા કુલ 15 એક્ટિવા કબ્જે કર્યા પોલીસની કડક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે આ એક્ટિવા તેણે વિસનગર સ્વસ્તિક મેડીકલની સામેથી ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલીને ચોર્યું હતું. આ ઉપરાંત તેણે ગાંધીનગર શહેર, અમદાવાદ શહેર અને મહેસાણા જીલ્લાના અલગ-અલગ વિસ્તારોમાંથી પાર્ક કરેલા અન્ય વાહનો પણ ડુપ્લીકેટ ચાવીથી ચોર્યા હોવાની કબૂલાત કરી હતી.આરોપીની નિશાનદેહી પરથી પોલીસે જુદી-જુદી જગ્યાએ છુપાવી રાખેલા કુલ 15 એક્ટિવા કબ્જે કર્યા છે.જેની અંદાજિત કિંમત રૂપિયા 3,83,000 થાય છે ચોરીના આ તમામ વાહનો અંગે ગાંધીનગર, અમદાવાદ અને મહેસાણાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આથી પોલીસે આરોપી મહેશ દરજીની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) 2023 ની કલમ-35(1)(ઇ) મુજબ અટકાયત કરી છે અને ચોરીનો મુદ્દામાલ કલમ-106 મુજબ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે આરોપીને સતલાસણા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
Read Original Article →