ગ્રાન્ટેડ કોલેજોમાં સરકારી મંજૂર બેઠકો પર જ પ્રવેશ મળશે:ઉ.ગુ.: 50 ગ્રાન્ટેડ કોલેજમાં સેલ્ફ ફાઇનાન્સની 10 હજાર બેઠકો રદ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા 38 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર આ વર્ષે 50 જેટલી ગ્રાન્ટેડ કોલેજોમાં ચાલતા સેલ્ફ ફાઇનાન્સ ડિવિઝનોની અંદાજે 10 હજાર બેઠકો રદ કરી દેવામાં આવી છે. ગ્રાન્ટેડ કોલેજો હવે માત્ર સરકાર દ્વારા મંજૂર કરેલી બેઠકો ઉપર જ પ્રવેશ આપી શકશે. યુનિવર્સિટીના કુલપતિ ડૉ.કે.સી. પોરિયાએ જણાવ્યું કે, ગ્રાન્ટેડ કોલેજોમાં સેલ્ફ ફાઇનાન્સ ડિવિઝન ચલાવવા માટે સરકારની સૈદ્ધાંતિક મંજૂરી લેવા માટે કોલેજોને સૂચના અપાઇ હતી. પરતું કોલેજોએ મેળવી નથી. ઉપરાંત, ગ્રાન્ટેડ કોલેજોમાં મંજૂર બેઠકો સાથે સેલ્ફ ફાઇનાન્સ બેઠકો વાળી સંખ્યાને શૈક્ષણિક કાર્ય કરાવવા માટે કાયમી શૈક્ષણિક સ્ટાફ નથી તો અનેક કોલેજોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પણ મર્યાદા હોવાને કારણે શિક્ષણની ગુણવત્તા પર અસર થતી હતી. યુનિવર્સિટીના નીતિ-નિયમો તેમજ સરકારની સૂચના મુજબ માત્ર મૂળ મંજૂર બેઠકો પર જ પ્રવેશની મંજૂરી આપવાનો નિર્ણય લેવાયો છે. યુનિવર્સિટીના આંકડા મુજબ, આર્ટસ, કોમર્સ, સાયન્સ અને રૂરલ સ્ટડીઝની કુલ 72 કોલેજો માટે બેઠકો ફાળવાઇ છે. જેમાં આર્ટસમાં સેક્શન દીઠ 130 અને સાયન્સ કોલેજોમાં 120 બેઠકોની ક્ષમતા છે. આ બેઠકોમાં વધારાની 10 ટકા EWS બેઠકો ઉમેરીને પ્રવેશ પ્રક્રિયા હાથ ધરી શકાશે. જોકે, જે કોલેજો ગ્રાન્ટેડ હોવા છતાં વધારાના સેલ્ફ ફાઇનાન્સ ક્લાસ ચલાવતી હતી, તેમને આ વખતે કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નથી. ઓછા ટકાવાળા છાત્રોને ગ્રાન્ડેટ કોલેજોમાં પ્રવેશ મુશ્કેલ બનશે
શિક્ષણવિદોના મતે, સેલ્ફ ફાઇનાન્સની 10 હજાર બેઠકો રદ થવાથી ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશ માટે ધસારો થશે. મેરિટ ઊંચું જવાની શક્યતા છે અને જે વિદ્યાર્થીઓ ઓછા ટકાવારીને કારણે ગ્રાન્ટેડ કોલેજમાં સેલ્ફ ફાઇનાન્સ બેઠક પર પ્રવેશ મેળવતા હતા, તેમણે હવે ફરજિયાતપણે સંપૂર્ણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો તરફ વળવું પડશે અથવા અન્ય વિકલ્પો શોધવા પડશે. કોલેજો ચલાવવી આર્થિક રીતે મુશ્કેલ બનશે : સંચાલકો કોલેજ
સંચાલકોનું કહેવું છે કે, સેલ્ફ ફાઇનાન્સ ડિવિઝનમાંથી થતી આવક દ્વારા તેઓ કોલેજના અન્ય મેન્ટેનન્સ અને એડહોક સ્ટાફનો ખર્ચ કાઢતા હતા. હવે આ બેઠકો રદ થવાથી કોલેજો ચલાવવી આર્થિક રીતે મુશ્કેલ બનશે.
Read Original Article →