ભય અને અફરાતફરીનું વાતાવરણ સર્જાયું:રાજધાની ટાઉનશીપ-રામોસણા રોડ પર બેફામ કારચાલકે રાત્રે કાર, 5 ટુ-વ્હીલરને અડફેટે લીધા

Gujarat5/26/2026, 12:00:00 AM
ભય અને અફરાતફરીનું વાતાવરણ સર્જાયું:રાજધાની ટાઉનશીપ-રામોસણા રોડ પર બેફામ કારચાલકે રાત્રે કાર, 5 ટુ-વ્હીલરને અડફેટે લીધા
મહેસાણા શહેરમાં રાજધાની ટાઉનશીપથી રામોસણા ગામને જોડતા રોડ પર એક કારચાલકે આતંક મચાવ્યો હતો. GJ 02 CG 5500 નંબરની કારના ચાલકે અંધાધૂંધ રીતે વાહન હંકારતાં રસ્તા પર જતા 5 જેટલા ટુ-વ્હીલર અને એક કારચાલકને અડફેટે લીધા હતા, જેના કારણે વિસ્તારમાં ભય અને અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું. આ બનાવ પછી કારચાલક નજીકના રેલવે અંડરપાસ સુધી પહોંચ્યો હતો, જ્યાં તેણે કારને રામોસણા અંડરપાસ રસ્તાની વચ્ચે આડી મૂકી દીધી હતી. અંડરપાસમાં કાર આડી મૂકી દેતાં બંને તરફ વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો હતો અને લાંબી ટ્રાફિક કતારો લાગી ગઈ હતી. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક 112 ઇમરજન્સી સેવા પર કોલ કરવામાં આવતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે અંડરપાસમાંથી કારને ખસેડી રસ્તો ફરીથી ખુલ્લો કર્યો હતો, પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટનામાં કેટલાક ટુ-વ્હીલર ચાલકોને ઈજાઓ પહોંચી હોવાની શક્યતા છે. તાલુકા પોલીસે કાર કબ્જે કરી નંબરના આધારે ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. સ્થાનિકોમાં આ બનાવને લઈને રોષ જોવા મળ્યો છે. તાલુકા પોલીસે માત્ર અરજી લઈને સંતોષ માન્યો રવિવારે રાત્રે બેફામ કાર ચલાવી પાંચ જેટલા ટુ-વ્હીલર અને એક કારને અડફેટે લેનાર કારચાલક સામે સ્થાનિક યુવકે મહેસાણા તાલુકા પોલીસમાં કાર્યવાહી અને ગુનો નોંધવા અરજી આપી હતી. પરંતુ પોલીસ ઘટના સ્થળેથી કાર કબજે કરી પોલીસ મથકે લઈ ગઈ, પરંતુ કાળા કાચ ધરાવતી અને બેફામ ડ્રાઇવિંગ કરનાર કારના ચાલક કે માલિક સામે ગુનો નોંધવાની તસ્દી લીધી ન હતી. પોલીસ સૂત્રો મુજબ, આ નંબરની કાર કોઈ આરબના નામે નોંધાયેલી છે.
Read Original Article →