RTE:ખાનગી શાળાઓના ધો.1માં 1656 બાળકોએ પ્રવેશ મેળવી લીધો
મહેસાણા જિલ્લામાં આરટીઈ હેઠળ ખાનગી શાળાઓમાં ધોરણ-1માં અત્યાર સુધી 1656 બાળકોએ પ્રવેશ મેળવી લીધો છે. હજુ 188 બાળકો એવા છે કે જેમને પ્રવેશ ફાળવ્યા છતાં કન્ફર્મ કર્યો નથી. જેઓ મંગળવાર તા.12 મે સુધી પ્રવેશ મેળવી શકશે. જ્યારે 4 બાળકોના વાલીઓએ પ્રવેશ રદ કરાવ્યો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યું કે, જે 4 બાળકોના વાલીઓએ પ્રવેશ રદ કરાવ્યો છે, તેમાં પ્રવેશ મંજૂર કરતી વખતે થયેલી ભૂલ, શાળા દૂર હોવી, સ્થળાંતર થવું તેમજ વાલીની વ્યક્તિગત પરિસ્થિતિ જેવા કારણો દર્શાવ્યા છે. પ્રવેશ રદ કરાવનારામાં કડી તાલુકાના બે તેમજ મહેસાણા અને ઊંઝાના એક-એક બાળકનો સમાવેશ થાય છે. ગુજરાતીના બદલે અંગ્રેજી માધ્યમ પસંદ થઈ ગયું હતું
ઊંઝાની અંગ્રેજી માધ્યમની શાળામાં ધોરણ-1માં રાહુલકુમાર ધોબીના દીકરાને પ્રવેશ ફાળવાયા બાદ તેમણે પ્રવેશ રદ કરાવ્યો હતો. વાલીએ જણાવ્યું કે, ફોર્મ ભરતી વખતે ભૂલથી ગુજરાતી માધ્યમના બદલે અંગ્રેજી માધ્યમ પસંદ થઈ ગયું હતું. માનવ આશ્રમની જગ્યાએ મોઢેરા રોડ શાળા ફાળવી હતી
વાલી કમલેશભાઈ પરમારે જણાવ્યું કે, અમે કસ્બા રોહિતનગરમાં રહીએ છીએ. શાળા પસંદગીમાં નાલંદા, પાંચ લીંમડી સાર્વજનિક, પરા સ્કૂલ તેમજ માનવ આશ્રમ સરસ્વતી વિદ્યાવિહાર દર્શાવી હતી. પરંતુ અમારી દીકરીને મોઢેરા રોડ સ્થિત સરસ્વતી વિદ્યાવિહારમાં પ્રવેશ ફાળવાયો, જે અમારા ઘરથી દૂર છે અને સવારની શાળા છે. માનવ આશ્રમ શાળા ફાળવાઈ હોત તો પ્રવેશ મેળવી શકતા.
Read Original Article →