ધાર્મિક પ્રસંગમાં સેવ-ખમણી ખાધા બાદ 60થી વધુ લોકોની તબિયત લથડી:ફૂડ પોઈઝનિંગની અસર, દેત્રોજના રાજપુરામાં આરોગ્ય વિભાગ દોડતું થયું
અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના રાજપુરા ગામમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન પ્રસાદમાં લેવામાં આવેલો નાસ્તો ગ્રામજનો માટે ભારે પડ્યો છે. પ્રસાદમાં પીરસવામાં આવેલી સેવ-ખમણી ખાધા બાદ 60થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી. હાલ તમામ દર્દીઓને સારવાર અર્થે કડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. શું હતી સમગ્ર ઘટના? મળતી માહિતી મુજબ, રાજપુરા ગામમાં ગુરુવારે 8 એપ્રિલની મોડી રાત્રે એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધા અને ઉત્સાહ સાથે યોજાયેલા આ પ્રસંગમાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા. કાર્યક્રમ દરમિયાન હાજર લોકોને નાસ્તામાં સેવ-ખમણી આપવામાં આવી હતી. જોકે, નાસ્તો કર્યાના ગણતરીના કલાકોમાં જ લોકોની તબિયત એકાએક બગડવા માંડી હતી. લોકોને સતત ઉલટી, ઉબકા અને પેટમાં અસહ્ય દુ:ખાવાની ફરિયાદ ઉઠતાં કાર્યક્રમમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં બીમાર દર્દીઓનો આંકડો 60ને પાર કરી ગયો હતો. તાત્કાલિક સારવાર અને હોસ્પિટલની સ્થિતિ ઘટનાની ગંભીરતાને જોતા ગ્રામજનોએ તાત્કાલિક '108' ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. દર્દીઓની સંખ્યા વધુ હોવાથી 108 એમ્બ્યુલન્સની સાથે સાથે ખાનગી વાહનો મારફતે તમામ અસરગ્રસ્તોને કડી સ્થિત ભાગ્યોદય હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. મેડિકલ ટીમો દ્વારા હાલ યુદ્ધના ધોરણે દર્દીઓની સઘન સારવાર કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગની કાર્યવાહી સામૂહિક ફૂડ પોઈઝનિંગની જાણ થતા જ દેત્રોજ તાલુકાનું આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. દેત્રોજ તાલુકા હેલ્થ ઓફિસર શરદ પલીવાલે જણાવ્યું હતું કે, રાજપુરા ગામે ધાર્મિક કાર્યક્રમમાં સેવ-ખમણી ખાધા બાદ ઝાડા-ઉલટીના કેસ નોંધાયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને ગામમાં સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેમજ જવાબદાર ખાદ્ય સામગ્રી અને દર્દીઓના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવાની સૂચના પણ અધિકારીઓને આપી દેવામાં આવી છે. તંત્ર દ્વારા તપાસના ચક્રો ગતિમાન પ્રસાદમાં પીરસવામાં આવેલી સેવ-ખમણીમાં કયા કારણોસર ઝેરી અસર થઈ તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. જોકે, આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નાસ્તાના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ગામમાં રોગચાળો વધુ ન ફેલાય તે માટે પણ તંત્ર સાવચેત બન્યું છે. ધાર્મિક પ્રસંગમાં સર્જાયેલી આ દુર્ઘટનાને પગલે સમગ્ર દેત્રોજ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આરોગ્ય તંત્ર દોડતું થયું ઘટનાની જાણ થતા જ દેત્રોજ આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી ગઈ છે. આરોગ્ય અધિકારીઓ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ રાજપુરા ગામે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તંત્ર દ્વારા લેવાયેલા પગલાં: ધાર્મિકપ્રસંગમાં સર્જાયેલી આ દુર્ઘટનાને પગલે ગામમાં ચિંતાનો માહોલ છે. તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે, ખોરાકમાં સાવચેતી રાખવી અને કોઈપણ તકલીફ જણાય તો તુરંત નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. ---- આ પણ વાંચો મેમનગરની સરદાર પટેલ ગર્લ્સ હોસ્ટેલની 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ ચાર દિવસ પહેલાં અમદાવાદના મેમનગરમાં આવેલી સરદાર પટેલ (SP) ગર્લ્સ હોસ્ટેલની 57 વિદ્યાર્થિનીને ફૂડ પોઈઝનિંગના કારણે સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થિનીઓને ઝાડા, ઉલટી અને વિકનેસના સિમ્પ્ટમ્સ સાથે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતી. એક બાદ એક વિદ્યાર્થિનીઓને તકલીફ થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. કેટલાક વિદ્યાર્થિનીઓને ભારે તાવ અને વોમિટિંગ થઈ હતી, તો કેટલાકનું બ્લડ પ્રેશર ફ્લક્ચુએટ થઈ રહ્યું હતું. સંપૂર્ણ અહેવાલ વાંચો… લગ્નમાં જમણવાર બાદ 200થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ બે મહિના પહેલાં ખેડા જિલ્લાના માતર તાલુકાના સિંજીવાડા ગામમાં એક લગ્નપ્રસંગમાં ભોજન લીધા બાદ 150થી 200 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી. જમણવાર પછી થોડા જ કલાકોમાં મહેમાનો અને ગ્રામજનોને ઉલટી-ઝાડાની ફરિયાદ થવા લાગી હતી. સ્થાનિકોના મતે, ભોજનમાં પીરસવામાં આવેલી મીઠાઈ અને આઈસ્ક્રીમ ખાધા બાદ લોકોને અસ્વસ્થતા અનુભવાઈ હતી. એકસાથે આટલી મોટી સંખ્યામાં લોકોની તબિયત લથડતા ગામના ખાનગી ક્લિનિકો અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ ગયા હતા. સંપૂર્ણ અહેવાલ વાંચો…
Read Original Article →