લુણાવાડામાંથી 5.73 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:1673 બોટલ સાથે ચાર આરોપીઓ કુલ 15.99 લાખના મુદ્દામાલ સાથે પકડાયા
મહીસાગર જિલ્લામાં પ્રોહિબિશન પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાના પોલીસ અધિક્ષક સફીન હસનના નિર્દેશ બાદ, મહીસાગર LCBએ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. LCBએ કુલ 1673 બોટલ વિદેશી દારૂ અને અન્ય મુદ્દામાલ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. LCB પીઆઈ એમ.કે. ખાંટના માર્ગદર્શન હેઠળ સ્ટાફ જિલ્લામાં પ્રોહિબિશન વોચ તપાસ કરી રહ્યો હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈને બાતમી મળી હતી કે, લીંબડીયા તરફથી એક સફેદ i20 ગાડીમાં વિદેશી દારૂ ભરીને ગોધરા તરફ જઈ રહી છે અને તેની આગળ એક સ્વિફ્ટ ગાડી પાયલોટિંગ કરી રહી છે. આ ચોક્કસ બાતમીના આધારે, LCB ટીમે વિરણીયા ચોકડી ખાતે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની i20 અને સ્વિફ્ટ ગાડી આવતા, LCB સ્ટાફે બંને વાહનોને રોકી ચાર ઇસમોને ઝડપી પાડ્યા હતા. i20 ગાડીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. ગાડીને LCB ઓફિસે લાવી વધુ તપાસ કરતા, તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 1673 બોટલો મળી આવી હતી. આ દારૂની કિંમત 5,73,680 રૂપિયા આંકવામાં આવી છે. દારૂ અને અન્ય મુદ્દામાલ મળીને કુલ 15,99,180 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ અંગે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના ચિત્તોડગઢ, ભીલવાડા અને ઉદયપુર જિલ્લાના રહેવાસીઓ વિષ્ણુ ઉદયરામ જાટ, શંકરલાલ ચંપાલાલ જાટ, વિક્રમસિંહ ભેરૂસિંહ રાજપુત અને રીતેષ વિકાસ યાદવનો સમાવેશ થાય છે.
Read Original Article →