મહીસાગર જિલ્લામાં નળ સે જળ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાક્ટરની ધરપકડ:પકડાયેલ આરોપી મનહર પટેલ લુણાવાડા નગરપાલિકાનો પૂર્વ પ્રમુખ, અત્યાર સુધીમાં 34ની ધરપકડ

Gujarat6/7/2026, 4:43:20 PM
મહીસાગર જિલ્લામાં નળ સે જળ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાક્ટરની ધરપકડ:પકડાયેલ આરોપી મનહર પટેલ લુણાવાડા નગરપાલિકાનો પૂર્વ પ્રમુખ, અત્યાર સુધીમાં 34ની ધરપકડ
મહીસાગર જિલ્લાના રૂ. 123 કરોડના કથિત નળ સે જળ કૌભાંડમાં CID ક્રાઇમે વધુ એક કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે. તપાસ એજન્સીએ લુણાવાડા તાલુકાના રામપટેલના મુવાડા ગામના રહેવાસી મનહર જેઠાભાઈ પટેલને તેમના નિવાસસ્થાનેથી ઝડપી પાડ્યા છે. તપાસ અનુસાર, મનહર જેઠાભાઈ પટેલ પર આંબા, સરસવા અને માલવણ ગામોમાં હાથ ધરાયેલા કામોમાં ગેરરીતિ આચરવાનો આરોપ છે. પ્રાથમિક માહિતી મુજબ, સરકારી રેકોર્ડ દર્શાવે છે કે તેમની પાસેથી સરકારને અંદાજે રૂ. 2.39 કરોડથી વધુની વસૂલાત કરવાની બાકી છે. CID ક્રાઇમ દ્વારા નળ સે જળ કૌભાંડની તપાસમાં અત્યાર સુધીમાં કુલ 34 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં વિવિધ રાજકીય અને કોન્ટ્રાક્ટર વર્તુળોના નામો પણ ચર્ચામાં રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મનહર જેઠાભાઈ પટેલ અગાઉ લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી મનહર પટેલના વિવિધ રાજ્યોમાં સરકારી કોન્ટ્રાક્ટના કામો ચાલી રહ્યા છે અને તેઓ ડામર પ્લાન્ટ પણ સંચાલિત કરે છે. તેમની સામે અગાઉ પણ વિવિધ વિવાદો અને કેસોમાં નામ જોડાયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, ગોધરા નગરપાલિકાના વિકાસ કાર્યો સંબંધિત કેસોમાં બેંકની કથિત નકલી એફડી, સોલવન્સી દસ્તાવેજો અને ટેસ્ટિંગ રિપોર્ટ અંગે પણ તેમનું નામ સામે આવ્યું હતું. આ ઉપરાંત, કપડવંજના એક કોન્ટ્રાક્ટરના આત્મહત્યા કેસમાં પણ તેમનું નામ આરોપી તરીકે નોંધાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જોકે, આ તમામ આરોપોની અંતિમ સત્યતા અને જવાબદારી અંગેનો નિર્ણય કોર્ટ તથા તપાસ એજન્સીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. CID ક્રાઇમ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Read Original Article →