મહીસાગરમાં ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન' સફળતાપૂર્વક સંપન્ન:20 મેગા કેમ્પો દ્વારા 189 આદિજાતિ ગામોમાં 60,000 લોકોનો સંપર્ક, 100 ટકા કામગીરી
ભારત સરકારના આદિજાતિ મંત્રાલય દ્વારા દેશના છેવાડાના આદિવાસી નાગરિકોના સર્વાંગી વિકાસ માટે શરૂ કરાયેલ 'ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન' મહીસાગર જિલ્લામાં ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થયું છે. જિલ્લા વહીવટી તંત્રના સુદ્રઢ આયોજન અને માઈક્રો-પ્લાનિંગના પરિણામે આ અભિયાન અંતર્ગત યોજાયેલા વિવિધ કેમ્પો દ્વારા હજારો આદિવાસી પરિવારો સુધી સરકારી યોજનાઓના લાભો સીધા પહોંચાડવામાં આવ્યા છે. 20 મેગા કેમ્પો દ્વારા 60,000 નાગરિકોનો સીધો સંપર્ક
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગત 19મે થી 25મે દરમિયાન ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ભગીરથ ઝુંબેશ અંતર્ગત જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં 20 મેગા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના માધ્યમથી અંદાજિત 60,000 જેટલા નાગરિકોનો સીધો સંપર્ક સાધીને તેમને સરકારી કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરી લાભો આપવામાં આવ્યા હતા. 4 તાલુકાના 189 ગામોને આવરી લેવાયા
ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધાર્થે આ ઝુંબેશની ભવ્ય સફળતા અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ ઝુંબેશ હેઠળ જિલ્લાના સંતરામપુર, કડાણા, ખાનપુર અને લુણાવાડા એમ કુલ 4 આદિજાતિ પ્રભુત્વ ધરાવતા તાલુકાઓના 189 ગામોને આવરી લેવામાં આવ્યા હતા. વહીવટી સરળતા અને ચોક્કસાઈ માટે આ તમામ ગામોને 20 ક્લસ્ટરમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. આ માઇક્રો-પ્લાનિંગના ભાગરૂપે જ ઉખરેલી, ગોલણપુર, હીરાપુર સહિતના મહત્વના સ્થળોએ 20 મોટા કેમ્પોનું સફળ આયોજન શક્ય બન્યું હતું. ઘરઆંગણે મળ્યા આરોગ્ય અને કલ્યાણકારી યોજનાઓના લાભ
આ અભિયાનનો મુખ્ય ધ્યેય તમામ સરકારી યોજનાઓનું 100 ટકા 'સેચ્યુરેશન' (તમામ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી પહોંચવું) સિદ્ધ કરવાનો હતો. આ કેમ્પો દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ખાસ કરીને ટીબી (TB) અને સિકલસેલ એનેમિયાનું સઘન સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. આયુષ્માન ભારત કાર્ડ, ઓળખ પત્રો, કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) જેવી સેવાઓ સ્થળ પર ઉપલબ્ધ કરાવાઈ હતી. KCC વન ધન યોજના અને નિરાધાર વિધવા સહાય જેવી યોજનાઓની કામગીરી વહીવટી તંત્ર દ્વારા છેવાડાના લોકોના ઘરઆંગણે જ પૂરી પાડવામાં આવી હતી. 1,200થી વધુ લાભાર્થીઓને સ્થળ પર જ લાભ અપાયા
આ વહીવટી ઝુંબેશના ખૂબ જ સકારાત્મક અને નક્કર પરિણામો જોવા મળ્યા છે. કેમ્પ દરમિયાન જ અંદાજિત 1200 જેટલા લાભાર્થીઓને સ્થળ પર જ વિવિધ યોજનાઓના મંજૂરી પત્રો અને સહાયના લાભો એનાયત કરી દેવામાં આવ્યા હતા. ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરે આ પ્રસંગે આદિવાસી સમાજના ઉત્કર્ષ અને મહીસાગર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વહીવટી તંત્રની કટિબદ્ધતા પુનઃ ઉચ્ચારી હતી. સાથે જ, તેમણે આ કપરા અને ભગીરથ અભિયાનને રાત-દિવસ એક કરીને સફળ બનાવનાર તમામ અધિકારીઓ, કર્મયોગીઓ અને સહભાગી બનનાર જિલ્લાના જાગૃત નાગરિકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
Read Original Article →