મહીસાગરમાં પીએમ જનમન અભિયાનનો પ્રારંભ:4 તાલુકાના 189 ગામોમાં આદિવાસી સમુદાયના લોકોને આધારથી આયુષ્માન સુધીની તમામ સેવાઓ કેમ્પ મારફતે ઘર આંગણે મળશે
મહીસાગર જિલ્લામાં આદિવાસીઓના વિકાસ માટે 'જનભાગીદારી - સબસે દૂર, સબસે પહેલે' અભિયાનનો પ્રારંભ થયો છે. ભારત સરકારના 'જનજાતીય ગરીમા ઉત્સવ 2026' અંતર્ગત આ વિશેષ ઝુંબેશ શરૂ કરાઈ છે. ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સુધાર્થના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના વિડિયો કોન્ફરન્સ હોલ ખાતેથી આ અભિયાનને સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ અભિયાન 'ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન' અને 'પ્રધાનમંત્રી જનજાતિય ન્યાય મહા અભિયાન (PM JANMAN)' હેઠળ ચલાવવામાં આવી રહ્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના આદિવાસી પરિવારો સુધી સરકારી યોજનાઓના સો ટકા લાભો પહોંચાડવાનો છે. આ અભિયાન હેઠળ મહીસાગર જિલ્લાના 4 તાલુકાના કુલ 189 ગામોને આવરી લેવામાં આવ્યા છે. જેમાં સંતરામપુરના 109 ગામ (7 ક્લસ્ટર), કડાણાના 68 ગામ (7 ક્લસ્ટર), ખાનપુરના ૬ ગામ (1 ક્લસ્ટર) અને લુણાવાડાના 6 ગામ (1 ક્લસ્ટર)નો સમાવેશ થાય છે. જિલ્લા કક્ષાએ આ અભિયાનના સફળ આયોજન માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. 19 થી 25 મે દરમિયાન સમાવિષ્ટ ગામોમાં જાગૃતિ અને સેચ્યુરેશન કેમ્પ તેમજ આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાશે. 20 મેના રોજ 'વિલેજ ઇમર્ઝન ડ્રાઇવ' હેઠળ અધિકારીઓ ગ્રામ સંપર્ક, પદયાત્રા અને જન સુનાવણીની તારીખોની જાહેરાત કરશે. 21થી 23 મે દરમિયાન જન સુનાવણી દ્વારા લોકોની રજૂઆતોનું ત્વરિત નિરાકરણ કરાશે. 24 અને 25 મેના રોજ કામગીરીનું દસ્તાવેજીકરણ, પ્રોગ્રેસ રિપોર્ટ કાર્ડની તૈયારી અને કલેક્ટરની ઉપસ્થિતિમાં ડીબ્રીફિંગ મિટિંગ તથા મીડિયા કોન્ફરન્સ યોજાશે. લોન્ચિંગ કાર્યક્રમ દરમિયાન યુવરાજ સુધાર્થે સંબંધિત તમામ અધિકારીઓને આ અભિયાનને નિષ્ઠાપૂર્વક સફળ બનાવવા સૂચના આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે એક પણ પાત્રતા ધરાવતો લાભાર્થી યોજનાથી વંચિત ન રહી જાય તે માટે પારદર્શક અને ઝુંબેશના રૂપમાં કામગીરી કરવી. આ લોન્ચિંગ કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક, પ્રાંત અધિકારી સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →