મહીસાગરના ઠાકોરના નાધરામાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ઉજવાયો:જનજાગૃતિ કાર્યક્રમમાં ગામ લોકો અને બાળકોને મચ્છરજન્ય રોગ વિશે માર્ગદર્શન અપાયું
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) સંઘરી અંતર્ગત આવતા આયુષ્માન આરોગ્ય મંદિર, ઠાકોરના નાધરા ખાતે તારીખ 16.05.2026 ના રોજ "રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ" નિમિત્તે એક વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ડેન્ગ્યુ રોગચાળાને અટકાવવા માટે સમુદાયમાં જાગૃતિ લાવવાનો હતો. આ કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) ડૉ. સી. આર. પટેલીયા, જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ. ચૌધરી અલ્પેશ, અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. વિજય ડામોરના સક્ષમ નેતૃત્વ હેઠળ યોજાયો હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંઘરીના ડૉ. કૃણાલગીરી એન. ગોસાઈ અને ડૉ. શ્રદ્ધાબેન ડામોરના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે આયુષ્માન આરોગ્ય મંદિર, ઠાકોરના નાધરાનો તમામ આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ડેન્ગ્યુના રોગચાળાને અટકાવવા માટે ભવિષ્યની પેઢી સજાગ બને તે હેતુથી ગામના બાળકોને એક વિશેષ માહિતીસભર વીડિયો બતાવવામાં આવ્યો હતો. આ વીડિયો દ્વારા બાળકોને સમજાવવામાં આવ્યું કે, ડેન્ગ્યુ મચ્છરજન્ય રોગ છે અને તેને ફેલાતો અટકાવવા માટે "સમુદાયની ભાગીદારી" (Community Participation) કેટલી મહત્વની છે. કાર્યક્રમ દરમિયાન હાજર આરોગ્ય ટીમે બાળકો અને ગ્રામજનોને મચ્છરોની ઉત્પત્તિના સ્થાનો એટલે કે હેચરી (Hatchery) રૂબરૂ બતાવી હતી. આનાથી લોકોને સમજાવવામાં આવ્યું કે ચોખ્ખા પાણીમાં મચ્છર કેવી રીતે ઈંડા મૂકે છે. આ સાથે જ, અઠવાડિયામાં એક દિવસ 'ડ્રાય ડે' (સૂકો દિવસ) ઉજવવા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી, જેમાં ઘરના તમામ પાણીના પાત્રો, ટાંકી, કુલર વગેરે ખાલી કરી, સાફ કરીને સૂકવી દેવા અપીલ કરાઈ હતી. આ સફળ કાર્યક્રમ અને આરોગ્ય સ્ટાફની સરાહનીય કામગીરી થકી ગામના બાળકો અને વાલીઓમાં ડેન્ગ્યુ મુક્ત ગામ બનાવવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
Read Original Article →