મહીસાગર નદીમાં સ્નાન પર પ્રતિબંધ, મહંત નારાજ:અધિક માસમાં શ્રદ્ધાળુઓ માટે યોગ્ય વ્યવસ્થાની માગ, મહારાજે જિલ્લા વહીવટી તંત્રને અપીલ કરી
મહીસાગર જિલ્લાના દેગમડા મંદિર ખાતે પવિત્ર અધિક પુરુષોત્તમ માસ દરમિયાન મહીસાગર નદીમાં સ્નાન પર વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય સામે દેગમડા મંદિરના મહંત અરવિંદગીરી મહારાજે નારાજગી વ્યક્ત કરી છે. મહંત અરવિંદગીરી મહારાજે જિલ્લા વહીવટી તંત્રને અપીલ કરી છે કે, જરૂરી સુરક્ષા અને વ્યવસ્થા સાથે શ્રદ્ધાળુઓને મહીસાગર નદીમાં સ્નાન કરવાની છૂટ આપવામાં આવે. તેમણે જણાવ્યું કે લોકોની ધાર્મિક લાગણીઓ અને પરંપરાને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવો જોઈએ. સ્થાનિક લોકોનું પણ કહેવું છે કે જો સલામતીના કારણોસર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય, તો વહીવટી તંત્ર યોગ્ય વ્યવસ્થા ઊભી કરીને નિયંત્રિત રીતે સ્નાનની મંજૂરી આપે, જેથી ભક્તોની ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોંચે. મહીસાગર તીર્થધામ દેગામડાના મહંત અરવિંદગીરી મહારાજે જણાવ્યું હતું કે, માઁ મહીસાગર આ જિલ્લાના અધિષ્ઠાત્રી દેવી છે. આ સ્થાન મહીસાગર તીર્થધામ તરીકે ઓળખાય છે અને અહીં પવિત્ર મહીસાગર નદીનો પ્રવાહ વહે છે. અધિક માસ, જેને હિંદુ સંસ્કૃતિમાં પુરુષોત્તમ માસ કહેવાય છે, તેમાં દૂર દૂરથી ઘણા શ્રદ્ધાળુઓ સ્નાન કરવા આવે છે અને તેમની સંખ્યા સામાન્ય રીતે વધારે હોય છે. તેમણે પ્રશ્ન કર્યો કે, હરિદ્વારમાં ગંગાજીનો પ્રવાહ તેજ હોવા છતાં અને નર્મદાજીમાં પણ સ્નાન થતું હોવા છતાં, મહીસાગર જિલ્લામાં જ જ્યાં મહીસાગરજીનું સ્થાનક છે ત્યાં વહીવટી તંત્ર દ્વારા સ્નાન પર પ્રતિબંધ શા માટે મૂકવામાં આવ્યો છે. મહંતે ઉમેર્યું કે, આ નિર્ણયથી ખાનપુર તાલુકાના આદિવાસી સમાજ સહિત હિંદુ સમાજની લાગણી દુભાઈ છે, કારણ કે તેઓ માઁ મહીસાગરને જળદેવી તરીકે પૂજે છે. તેમણે વહીવટી તંત્રને વિનંતી કરી કે, જો તેઓ નળ દ્વારા જળ પહોંચાડી શક્યા નથી કે લુણાવાડામાં સ્વિમિંગ પૂલ બનાવી શક્યા નથી, તો ઓછામાં ઓછું લોકોને મહીસાગર નદીમાં સ્નાન કરવા દેવામાં આવે. તેમણે સૂચવ્યું કે મંદિર પાસેના ઘાટ પર ઊંડાણ વધુ હોવાથી, નદીના બીજી બાજુના છીછરા પાણીવાળા વિસ્તારમાં સ્નાન કરવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવે.
Read Original Article →