મહીસાગરમાં 11 જૂનથી પૂરક પરીક્ષા શરૂ:જિલ્લા તંત્ર સજ્જ, 2,562 વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપશે
મહીસાગર જિલ્લામાં ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાઓ માટે જિલ્લા તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને યોજાયેલી જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠકમાં પરીક્ષાઓ શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે માટેના આયોજનની સમીક્ષા કરાઈ હતી. લુણાવાડા જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી આ બેઠકમાં કલેક્ટર અર્પિત સાગરે સંબંધિત વિભાગોને કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય સુવિધા, ટ્રાફિક નિયંત્રણ તેમજ વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. જિલ્લા શિક્ષણાધિકારી નૈલેષકુમાર મુનિયાના જણાવ્યા અનુસાર, મહીસાગર જિલ્લામાં 11 જૂનથી 20 જૂન દરમિયાન પૂરક પરીક્ષાઓ યોજાશે. આ પરીક્ષામાં ધોરણ 10ના 1,650, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 330, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 580 અને વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાના 2 વિદ્યાર્થીઓ સહિત કુલ 2,562 વિદ્યાર્થીઓ ભાગ લેશે. પરીક્ષા કેન્દ્રો પર ગેરરીતિ અટકાવવા અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.વી. લટા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં ચારથી વધુ વ્યક્તિઓના એકઠા થવા, બિનઅધિકૃત પ્રવેશ, માઇક-લાઉડસ્પીકર, ડીજે તથા મોબાઇલ ફોન, સ્માર્ટવોચ સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, પરીક્ષા દરમિયાન ઝેરોક્સ સેન્ટરોને પણ નિર્ધારિત સમયગાળા માટે બંધ રાખવાનો આદેશ અપાયો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Read Original Article →