મહીસાગર SP સફીન હસનની અપીલ:નાગરિકો સ્વ-વસ્તી ગણતરીમાં સહભાગી થઈ સાચી માહિતી આપે

Gujarat5/19/2026, 1:05:31 PM
મહીસાગર SP સફીન હસનની અપીલ:નાગરિકો સ્વ-વસ્તી ગણતરીમાં સહભાગી થઈ સાચી માહિતી આપે
દેશના સર્વાંગી વિકાસનો મુખ્ય આધાર સાચી અને સચોટ માહિતી પર રહેલો છે. આ માહિતીના આધારે જ સરકાર ભવિષ્યના વિકાસલક્ષી આયોજનો અને નવીન કદમ ઉઠાવે છે. આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વસ્તી ગણતરીની કામગીરીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસને જિલ્લાના તમામ નાગરિકોને આ રાષ્ટ્રીય કાર્યમાં ઉત્સાહભેર જોડાઈને સાચી માહિતી આપવા અનુરોધ કર્યો છે. પોલીસ અધિક્ષકે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી 1લી જૂન, 2026થી વસ્તી ગણતરીની શરૂઆત થવા જઈ રહી છે. આ વસ્તી ગણતરીમાં એકત્રિત કરવામાં આવતી તમામ માહિતીનો ઉપયોગ રાજ્યના અલગ-અલગ વિસ્તારોના વિકાસના કામો અને તેના સચોટ આયોજન માટે થનાર છે. વહીવટી પ્રક્રિયાને વધુ પારદર્શક અને નાગરિકો માટે સુલભ બનાવવાના હેતુથી, ગત 17મી મે, 2026 થી 'સ્વ-વસ્તી ગણતરી' (Self-Enumeration) ની ઓનલાઈન પ્રક્રિયા ખુલ્લી મુકવામાં આવી છે. આ સુવિધા નાગરિકોને ઘરે બેઠા પોતાની માહિતી નોંધાવવાની તક પૂરી પાડે છે. આ ઓનલાઈન સુવિધાનો વ્યાપક લાભ લેવા અપીલ કરતા સફીન હસને ઉમેર્યું હતું કે, સ્વ-વસ્તી ગણતરીનો ભાગ બનવા અને પોતાના વિશેની માહિતી તંત્ર સુધી પહોંચાડવા માટે દરેક નાગરિકે se.census.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે. આ પોર્ટલ પર પૂછવામાં આવતા દરેક પ્રશ્નોના યોગ્ય અને સાચા જવાબો આપીને નાગરિકો પોતાની અને પોતાના કુટુંબની માહિતી ઓનલાઈન જમા કરાવી શકે છે. મહીસાગર જિલ્લાના નાગરિકો ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરે તેવી અપીલ કરતા તેમણે અંતમાં જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ જાગૃત નાગરિકો આ ઓનલાઈન સુવિધાનો ઉપયોગ કરી આ મહત્વપૂર્ણ કાર્યને વધુ સરળ, સચોટ અને મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપે. આપણી સાચી માહિતી જ દેશના સજ્જડ અને સુદ્રઢ ભવિષ્યનો પાયો નાખશે.
Read Original Article →