મહીસાગર પ્રભારી સચિવ બચાણીએ સમીક્ષા બેઠક યોજી:જિલ્લાના વિકાસ કાર્યો અને પ્રજાલક્ષી યોજનાઓની ચર્ચા કરી

Gujarat5/15/2026, 1:59:57 PM
મહીસાગર પ્રભારી સચિવ બચાણીએ સમીક્ષા બેઠક યોજી:જિલ્લાના વિકાસ કાર્યો અને પ્રજાલક્ષી યોજનાઓની ચર્ચા કરી
મહીસાગર જિલ્લાના પ્રભારી સચિવ કે. એલ. બચાણીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં અમલી વિવિધ પ્રજાહિતલક્ષી યોજનાઓ અને વહીવટી કામગીરીને વધુ વેગવંતી બનાવવા અંગે ચર્ચા કરી જરૂરી દિશાનિર્દેશો અપાયા હતા. પ્રભારી સચિવે શિક્ષણ પર ભાર મૂકતા જણાવ્યું કે, શિક્ષણનો પાયો મજબૂત હશે તો જ પ્રગતિ શક્ય બનશે. તેમણે 'બેક ટુ સ્કૂલ' ઝુંબેશ હેઠળ શાળા પ્રવેશોત્સવ પૂર્વે સર્વે પૂર્ણ કરવા અને ડ્રોપઆઉટ રેશિયો ઘટાડી બાળકોને ફરી શાળામાં લાવવા સઘન પ્રયાસો કરવા સૂચન કર્યું. 'ઉલ્લાસ નવભારત અભિયાન' અંતર્ગત જરૂરિયાતમંદ લોકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા પણ તેમણે જણાવ્યું. 'પ્રોજેક્ટ સહકાર' હેઠળ 'એડોપ્ટ આંગણવાડી' કાર્યક્રમમાં વધુ સક્રિયતા દાખવવા સૂચનો કરાયા હતા. સચિવે આ કાર્યને સેવાનું માધ્યમ ગણાવી, આંગણવાડી માટે કામ કરવું એ સમાજનું ઋણ અદા કરવાનો ઉત્તમ મોકો હોવાનું જણાવ્યું. નાગરિકોને સરકારી યોજનાઓની સરળતાથી માહિતી મળે તે માટે 'મારી યોજના'નો વધુમાં વધુ લાભ લેવા અને લોકો સુધી તેનો પ્રચાર કરવા પર ભાર મુકાયો. આનાથી છેવાડાના માનવી સુધી તમામ યોજનાઓ પહોંચી શકશે અને પ્રજાલક્ષી કામો ઝડપથી પૂર્ણ થશે. આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને પ્રિ-મોન્સુન કામગીરીની વિસ્તૃત ચર્ચા કરાઈ. પ્રભારી સચિવે ભૂતકાળના ડેટાના આધારે વધુ તકલીફગ્રસ્ત વિસ્તારોનું અગાઉથી જ સુદ્રઢ પ્લાનિંગ કરવા તાકીદ કરી. તેમણે આપત્તિ વ્યવસ્થાપન માટે નવા સાધનોની ઉપલબ્ધિ, સંબંધિત અધિકારીઓનું લિસ્ટ અને 'આપદા મિત્ર'ની યાદી સતત અપડેટ રાખવા સૂચના આપી. માર્ગ અને મકાન વિભાગ, વન વિભાગ, MGVCL અને અન્ય વિભાગો દ્વારા કરાતી ચોમાસા પૂર્વેની કામગીરીની પણ સઘન સમીક્ષા કરાઈ. વધુમાં, પ્રભારી સચિવે જિલ્લાના વિવિધ નકારાત્મક સમાચારોની સમીક્ષા કરી અધિકારીઓને તેના નિરાકરણ માટે સૂચનો કર્યા. આ બેઠકમાં મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, નિવાસી અધિક કલેક્ટર સી. વી. લટા સહિત જિલ્લા સંકલન સમિતિના તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →