મહીસાગરમાં 47 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો:પોષ ડોડાનો જથ્થો જપ્ત, આરોપી ફરાર, પોલીસ તપાસ ચાલુ

Gujarat5/12/2026, 2:40:27 PM
મહીસાગરમાં 47 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો:પોષ ડોડાનો જથ્થો જપ્ત, આરોપી ફરાર, પોલીસ તપાસ ચાલુ
મહીસાગર જિલ્લામાં નશાના વેપાર સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સંતરામપુર પોલીસ અને SOGની સંયુક્ત કામગીરીમાં અંદાજે 47 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે આરોપીઓ ટાટા હેરીયર કાર (નંબર GJ-03) માં અફીણના જીંડવા (પોષ ડોડા) નો જથ્થો લઈ જઈ રહ્યા હતા. ગઈકાલે રાત્રે સંતરામપુરથી લુણાવાડા જતા ફોરલેન રોડ પર મોટી સરસણા ગામ નજીક SOG પીઆઈ વી.ડી. ધોરડા અને સંતરામપુર પોલીસ ટીમે નાકાબંધી કરી હતી. આ દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી સફેદ રંગની હેરીયર કારને રોકવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, કાર ચાલકે વાહન ન રોકતા પોલીસ ટીમે તેનો પીછો કર્યો હતો. સરસણા ગામ નજીક આરોપીઓ અંધારાનો લાભ લઈ ગાડી મૂકી ફરાર થઈ ગયા હતા. પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી 13 પ્લાસ્ટિકના થેલામાં ભરેલા કુલ 248.880 કિલો પોષ ડોડા મળી આવ્યા હતા, જેની બજાર કિંમત આશરે 37 લાખ 33 હજાર રૂપિયા થાય છે. આ ઉપરાંત, કાર, મોબાઈલ ફોન, ખોટી નંબર પ્લેટ, કપડાના ટુકડા અને ફાસ્ટેગ સહિત કુલ 47 લાખ 38 હજાર 200 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આ મામલે મહીસાગર DYSP જી.એલ. ચૌધરીએ જણાવ્યું હતું કે, જિલ્લા પોલીસ વડા સફીન હસનની સૂચના મુજબ નશાબંધી અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લામાં કડક ચેકિંગ હાથ ધરાયું છે. પોલીસે પૂર્વ બાતમીના આધારે આ સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું. વધુ તપાસમાં સામે આવ્યું છે કે ગાડી પર લગાવેલી GJ-03 રાજકોટ પાસિંગ નંબર પ્લેટ ખોટી હતી. મૂળ કાર કાળા રંગની હોવાનું બહાર આવતા આરોપીઓએ દસ્તાવેજોમાં છેડછાડ કરી હોવાનું પણ જણાયું છે. હાલ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. માદક પદાર્થોની હેરાફેરી સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની પણ પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે.
Read Original Article →