મહીસાગરમાં વાવાઝોડા જેવી સ્થિતિ:ભારે પવનથી વૃક્ષો ધરાશાયી, કડાણા-સંતરામપુરમાં ધોધમાર વરસાદ
મહીસાગર જિલ્લામાં સાંજના સમયે હવામાનમાં અચાનક પલટો આવતા અનેક વિસ્તારોમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થતાં માર્ગો અવરોધાયા હતા, જ્યારે કડાણા અને સંતરામપુર તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે જિલ્લામાં રાત્રે 10 વાગ્યા સુધી ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે.
મહીસાગર જિલ્લામાં સાંજના સમયે એકાએક વાતાવરણમાં પલટો સર્જાતા ભારે પવન ફૂંકાયો હતો. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે અનેક સ્થળોએ વાવાઝોડા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. લુણાવાડા શહેરમાં ભારે પવનના કારણે રોડ-રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી અને જનજીવન પ્રભાવિત થયું હતું. ભારે પવનના કારણે લુણાવાડા-સંતરામપુર હાઈવે પર મોહીલા ગામ નજીક એક વિશાળ વૃક્ષ રોડ પર ધરાશાયી થયું હતું. જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને માર્ગની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. બીજી તરફ કડાણા-મલેકપુર માર્ગ પર પાદેડી ગામ પાસે પણ એક વૃક્ષ ધરાશાયી થતાં માર્ગ અવરોધાયો હતો. ઉપરાંત લુણાવાડા શહેરના શહેરા દરવાજા વિસ્તારમાં પણ એક વૃક્ષ પડી જતાં સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે પવનના કારણે તબાહીના દૃશ્યો જોવા મળ્યા હતા. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આગાહી મુજબ કડાણા તાલુકાના ગુજરાત-રાજસ્થાન સરહદી વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સરસવા, ગોધર ઉત્તર, બચકરીયા, ડીટવાસ, પુનાવાડા બોર્ડર સહિતના ગામોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ વરસ્યો હતો.
તેવી જ રીતે સંતરામપુર શહેર અને તાલુકાના વિવિધ વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદના આગમનથી એક તરફ લોકોને ગરમીમાંથી રાહત મળી છે, તો બીજી તરફ ભારે પવન અને વૃક્ષો ધરાશાયી થવાના બનાવોએ તંત્ર માટે પડકાર ઉભો કર્યો છે. હાલમાં સ્થાનિક તંત્ર દ્વારા માર્ગો પરથી વૃક્ષો હટાવી વાહનવ્યવહાર પુનઃ શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
Read Original Article →