નલ સે જલ કૌભાંડ: મહીસાગરમાં વધુ એક સરપંચ ઝડપાયા:વાડીનાથ ગામના સરપંચ અને એક સરપંચ પતિની ધરપકડ
મહીસાગર જિલ્લાના બહુચર્ચિત 'નલ સે જલ' કૌભાંડમાં CID ક્રાઈમે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. આ ધરપકડમાં વાડીનાથ ગામના સરપંચ અને તેમના પતિ કોન્ટ્રાક્ટરનો સમાવેશ થાય છે. આ સાથે કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ 29 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. CID ક્રાઈમ વડોદરા દ્વારા વાડીનાથ ગામના સરપંચ નરેન્દ્રકુમાર મંગળભાઈ પટેલ અને કોન્ટ્રાક્ટર તેમજ સરપંચના પતિ રાઠોડ બાબુસિંહ રાયસિંહની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે નરેન્દ્ર પટેલે 'નલ સે જલ' યોજના હેઠળ આઠ જેટલા ગામોમાં કામગીરી કરી હતી અને હાલ તેઓ વાડીનાથ ગામના સરપંચ છે. આરોપી બાબુસિંહ રાઠોડ પર જોખા, શિવરાજપુર અને છલા બારીયાના મુવાડા ગામની પાણી સમિતિના બેંક ખાતામાંથી આશરે ₹35.85 લાખ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવવાનો ગંભીર આરોપ છે. મહીસાગર જિલ્લામાં કરોડો રૂપિયાના 'નલ સે જલ' કૌભાંડનો પર્દાફાશ થયા બાદ CID ક્રાઈમ વડોદરાએ તત્કાલીન WASMO યુનિટ મેનેજર અને કચેરીના કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. તપાસ આગળ વધતા કોન્ટ્રાક્ટરોની ભૂમિકા પણ સામે આવી હતી, જેના આધારે અગાઉ પણ અનેક કોન્ટ્રાક્ટરોની ધરપકડ થઈ ચૂકી છે. હવે કૌભાંડમાં સરપંચની ધરપકડ થતાં અન્ય સંડોવાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે. CID ક્રાઈમ આ કૌભાંડમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે. જોકે આ કૌભાંડમાં સંડોવાયેલ અન્ય મોટા માથાઓની ક્યારે ધરપકડ થાય છે તે જોવું રહ્યું.
Read Original Article →