મહીસાગર LCBએ 4.97 લાખનો દારૂ ઝડપ્યો:વિરપુર વિસ્તારમાંથી 2051 બોટલ સાથે એક આરોપીની ધરપકડ

Gujarat6/7/2026, 11:35:51 AM
મહીસાગર LCBએ 4.97 લાખનો દારૂ ઝડપ્યો:વિરપુર વિસ્તારમાંથી 2051 બોટલ સાથે એક આરોપીની ધરપકડ
મહીસાગર LCBએ વિરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 4.97 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં 2501 નંગ દારૂની બોટલો અને વાહન સહિત કુલ 10.02 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે એક આરોપીની પણ ધરપકડ કરી છે. મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન અને I/C પોલીસ અધિક્ષક કમલેશ વસાવા દ્વારા પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઇસમો સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને મહીસાગર LCB પીઆઈ એમ.કે. ખાંટના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો જિલ્લામાં પ્રોહિબિશન વોચ તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન LCB સ્ટાફના માણસો વિરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમયે હેન્ડ કોન્સ્ટેબલ મહીપાલસિંહને બાતમી મળી હતી કે, એક શંકાસ્પદ હ્યુન્ડાઈ વેન્યુ ગાડીમાં વિદેશી દારૂ ભરીને ચોરીવાડ હેલોદર થઈ ઉભરણ ચોરસા તરફ જઈ રહી છે. આ બાતમીના આધારે LCB ટીમે વિરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ચિખલી જોજા ગામની સીમમાં વોચ ગોઠવી હતી. બાતમી મુજબની હ્યુન્ડાઈ વેન્યુ ગાડી આવતા LCB ટીમે વાહનોની આડશ કરી ગાડીને રોકી લીધી હતી અને તેમાં સવાર એક ઇસમને ઝડપી પાડ્યો હતો. ગાડીની પંચો રૂબરૂ તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 2051 નંગ બોટલો મળી આવી હતી. આ દારૂની કિંમત 4,97,297 રૂપિયા આંકવામાં આવી છે. દારૂ અને વાહન સહિત કુલ 10,02,297, રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ અંગે વિરપુર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીનું નામ પ્રતાપ મસુરભાઈ ડામોર છે, જે કાલિયાકુવા, ધોળા ખાખરા ફળીયુ, તા. મેઘરજ, જિ. અરવલ્લીનો રહેવાસી છે.
Read Original Article →