મહીસાગર જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો:કલ્પનાબેન પુવાર પ્રમુખ, પ્રો. હંસરાજ વસાવા ઉપપ્રમુખ બન્યા
મહીસાગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા આજે યોજાઈ હતી. આ ચૂંટણીમાં કલ્પનાબેન શૈલેન્દ્રસિંહ પુવાર પ્રમુખ તરીકે અને પ્રો. હંસરાજ ભોગીલાલા વસાવા ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા છે. આ સાથે ભાજપે જિલ્લા પંચાયત અને તમામ આઠ તાલુકા પંચાયતો પર કબજો જમાવી ભગવો લહેરાવ્યો છે. આ ઉપરાંત, કારોબારી ચેરમેન પદ માટે ભલવેન્દ્રકુમાર પટેલ, પક્ષના નેતા તરીકે ભાવિકાબેન પટેલ અને દંડક પદ માટે ભુરીબેન ડામોરની વરણી કરવામાં આવી છે. આ ચૂંટણી પ્રક્રિયા જિલ્લા વિકાસ અધિકારી અને વિકાસ કમિશનરની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી. આ પ્રસંગે ભાજપના જિલ્લા પ્રમુખ દશરથ બારીયા, સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડિંડોર, બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ સહિત પક્ષના અગ્રણી હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પક્ષના નેતાઓએ નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી, જ્યારે કાર્યકર્તાઓએ ઢોલ-નગારા અને ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. નવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવારે ભાજપના મોવડીમંડળનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ વિજય સમગ્ર જનતા અને કાર્યકર્તાઓની જીત છે. આગામી સમયમાં ભાજપની વિકાસની નીતિઓ અંતર્ગત જિલ્લાના છેવાડાના વિસ્તારો સુધી વિકાસ કાર્યો અને સરકારી યોજનાઓ પહોંચાડવા તેઓ સતત પ્રયત્નશીલ રહેશે.
Read Original Article →