મહીસાગર ITI પ્રવેશ 2026માં ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂ:પ્રથમ રાઉન્ડની અંતિમ તારીખ 23 જૂન; હેલ્પડેસ્ક પણ ઉપલબ્ધ
મહીસાગર જિલ્લાની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)માં પ્રવેશસત્ર-2026 માટેની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે. રસ ધરાવતા ઉમેદવારો itiadmission.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઇન ફોર્મ ભરી શકશે. પ્રથમ રાઉન્ડ માટે ઓનલાઇન પ્રવેશફોર્મ ભરવાની અંતિમ તારીખ 23 જૂન, 2026 નિર્ધારિત કરવામાં આવી છે. પ્રવેશ પ્રક્રિયાના નિયમો અનુસાર, ઉમેદવારે ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ નજીકની સરકારી ITI ખાતે રૂબરૂ જઈને પોતાના તમામ અસલ દસ્તાવેજોની ચકાસણી કરાવવી ફરજિયાત છે. દસ્તાવેજ ચકાસણી પૂર્ણ થયા બાદ રૂ. 50 ઓનલાઇન રજીસ્ટ્રેશન ફી ભરીને પ્રવેશફોર્મ રજીસ્ટર કરાવવાનું રહેશે. આ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ જ ઉમેદવાર પોતાની પસંદગીના અભ્યાસક્રમ અને સંસ્થા (ITI) માટે ઓનલાઈન ચોઇસ ફિલિંગ કરી શકશે. મહીસાગર જિલ્લાના વિદ્યાર્થીઓની સુવિધા માટે જિલ્લાની સરકારી ITI ખાતે 'એડમિશન હેલ્પડેસ્ક' કાર્યરત કરવામાં આવ્યું છે. આ હેલ્પડેસ્ક પર વિનામૂલ્યે પ્રવેશ ફોર્મ ભરી આપવાની ખાસ વ્યવસ્થા ઉપલબ્ધ છે. ITI માં પ્રવેશ મેળવવા ઇચ્છુક મહત્તમ ઉમેદવારોને આ સુવિધાનો લાભ લેવા અને નિર્ધારિત સમય મર્યાદામાં પોતાની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા અપીલ કરવામાં આવી છે.
Read Original Article →