મહીસાગરમાં ભારે પવન-વરસાદથી ભારે નુકસાન:વૃક્ષો પડ્યા, વીજપોલ ધરાશાયી, વાહનવ્યવહાર ખોરવાયો; આજે પણ વરસાદની આગાહી

Gujarat6/4/2026, 6:45:54 AM
મહીસાગરમાં ભારે પવન-વરસાદથી ભારે નુકસાન:વૃક્ષો પડ્યા, વીજપોલ ધરાશાયી, વાહનવ્યવહાર ખોરવાયો; આજે પણ વરસાદની આગાહી
મહીસાગર જિલ્લામાં બુધવારે સાંજે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન, વીજળીના કડાકા-ભડાકા અને વરસાદને કારણે વ્યાપક નુકસાન થયું હતું. કડાણા, સંતરામપુર અને ગોધરા તાલુકામાં તેની સૌથી વધુ અસર જોવા મળી હતી. આ વાવાઝોડાને કારણે અનેક સ્થળોએ વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા. કાચા મકાનોના છાપરા ઉડી ગયા હતા, જેના પરિણામે અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. લુણાવાડા-સંતરામપુર હાઇવે પર મોહિલા ગામ પાસે એક વિશાળ વૃક્ષ રોડ પર પડતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. આને કારણે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. કડાણા-મલેકપુર રોડ પર પાદેડી ગામ નજીક પણ વૃક્ષ ધરાશાયી થતાં માર્ગ બંધ થઈ ગયો હતો. કડાણા તાલુકાના દિવડા ગામમાં વાવાઝોડાની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે પાર્ક કરેલી મોટરસાયકલો અને એક ટેમ્પો હવામાં ફંગોળાઈને ઊંધા પડી ગયા હતા. ગોધર સહિતના વિસ્તારોમાં કાચા મકાનોને પણ નોંધપાત્ર નુકસાન થયું હતું. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ, કડાણા તાલુકામાં સૌથી વધુ 26 મિલીમીટર વરસાદ પડ્યો હતો. સંતરામપુરમાં 20 મિલીમીટર અને ગોધરા તાલુકામાં 5 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આજે સવારથી જિલ્લામાં વાતાવરણ સુષ્ક રહ્યું છે અને લોકો ગરમી તથા બફારાનો અનુભવ કરી રહ્યા છે. જોકે, હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન મહીસાગર જિલ્લામાં થન્ડરસ્ટોર્મ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વધુમાં, 4 થી 10 જૂન દરમિયાન જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.
Read Original Article →