ઉનાળામાં વન્યજીવોની તરસ છીપાવવા જળકુંડ કાર્યરત:માનવ-વન્યજીવ સંઘર્ષ ટાળવા જંગલોમાં ગજલર કાર્યરત

Gujarat5/20/2026, 9:00:11 AM
ઉનાળામાં વન્યજીવોની તરસ છીપાવવા જળકુંડ કાર્યરત:માનવ-વન્યજીવ સંઘર્ષ ટાળવા જંગલોમાં ગજલર કાર્યરત
મહીસાગર જિલ્લાના વિશાળ વનક્ષેત્રમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે કુદરતી જળસ્રોતો સુકાઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં વન વિભાગે વન્યજીવોને માનવ વસાહતો તરફ ભટકતા રોકવા માટે સરાહનીય પગલું ભર્યું છે. જિલ્લાના 61,687 હેક્ટરમાં ફેલાયેલા જંગલોના દુર્ગમ અને પહાડી વિસ્તારોમાં કૃત્રિમ જળકુંડ (ગજલર) કાર્યરત કરવામાં આવ્યા છે. મહીસાગર નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ વિવિધ રેન્જમાં આ જળકુંડોનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ કુંડની વિશેષતા એ છે કે તેમાં કળી ચૂનાનો ઉપયોગ થાય છે, જે પાણીને ઠંડું રાખવાની સાથે પ્રાણીઓને જરૂરી કેલ્શિયમ પણ પૂરું પાડે છે. વનકર્મીઓ ટ્રેક્ટર અને ટેન્કર મારફતે પથરાળ રસ્તાઓ ઓળંગીને નિયમિતપણે આ કુંડ રીફિલ કરી રહ્યા છે. ખાનપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસરે જણાવ્યું હતું કે, ખાનપુર રેન્જમાં અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમાં 7 થી 10 આવા કૃત્રિમ ગજલર બનાવવામાં આવ્યા છે. વનકર્મીઓનો સ્ટાફ દિવસ-રાત સતત મોનિટર કરીને પાણી ખાલી ન થાય તેનું ધ્યાન રાખે છે અને પાણી ભરવાની વ્યવસ્થા કરે છે. આનાથી વન્યજીવો પાણી માટે માનવ વસાહતોમાં જતા નથી અને કોઈ સંઘર્ષ થતો નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, જ્યાં ગજલર બનાવવામાં આવ્યા છે, ત્યાં વન્યજીવોની સુરક્ષા અને ગતિવિધિઓ પર નજર રાખવા માટે આગામી સમયમાં નાઈટ વિઝન કેમેરા પણ લગાવવાનું આયોજન છે. વન વિભાગના આ પ્રયાસોથી દીપડા, નીલગાય અને ઝરખ જેવા વન્યજીવોને જંગલના ઊંડાણમાં જ પીવાનું પાણી મળી રહે છે. પરિણામે, વન્યજીવ-માનવ સંઘર્ષની શક્યતાઓ ઘટી છે. વન વિભાગે આ સાથે જ સામાન્ય જનતાને પણ પક્ષીઓ અને પ્રાણીઓ માટે જળસેવા કરવા અપીલ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
Read Original Article →