મહીસાગર જિલ્લામાં રાસાયણિક ખાતરના સમતોલ ઉપયોગનું અભિયાન:રાજ્યવ્યાપી જાગૃતિ માટે 703 ગામોમાં ખેડૂત શિબિરો યોજાઈ

Gujarat5/20/2026, 12:41:09 PM
મહીસાગર જિલ્લામાં રાસાયણિક ખાતરના સમતોલ ઉપયોગનું અભિયાન:રાજ્યવ્યાપી જાગૃતિ માટે 703 ગામોમાં ખેડૂત શિબિરો યોજાઈ
ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાસાયણિક ખાતરોના સમતોલ અને સંકલિત ઉપયોગ અંગે રાજ્યવ્યાપી એક માસનું વિશેષ જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે, મહીસાગર જિલ્લાના 703 ગામોમાં ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂત શિબિરોનું સઘન આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત લુણાવાડા તાલુકાના કાકા ના ચમારીયા ગામે જિલ્લા ખેતીવાડી અધિકારી જે. આર. પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં એક વિશેષ ખેડૂત તાલીમ શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે વિગતવાર અને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ તકે અધિકારીઓ અને ગ્રામજનો દ્વારા ગામના પ્રગતિશીલ ખેડૂત રમણભાઈના આંબાવાડીયાની રૂબરૂ મુલાકાત લઈને તેમની ખેતી પદ્ધતિનું પ્રત્યક્ષ અવલોકન પણ કરવામાં આવ્યું હતું. આ રાજ્યવ્યાપી ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય યુરિયા અને ડી.એ.પી. જેવા રાસાયણિક ખાતરોનો કાર્યક્ષમ તેમજ કરકસરયુક્ત વપરાશ વધારવાનો છે. આ સાથે ખેડૂતોને રાસાયણિક ખાતરોના વૈકલ્પિક સ્ત્રોત જેવા કે એસ.એસ.પી., એન.પી.કે. કોમ્પ્લેક્ષ, નેનો યુરિયા, નેનો ડી.એ.પી., બાયો ફર્ટીલાઈઝર્સ તેમજ સેન્દ્રીય ખાતર, વર્મી કમ્પોસ્ટ, જીવામૃત અને ઘન જીવામૃતના ઉપયોગ તરફ વાળવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષપણા હેઠળની નિગરાની સમિતિ દ્વારા તૈયાર કરાયેલા માઇક્રોપ્લાનિંગ મુજબ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, આત્મા પ્રોજેક્ટના સ્ટાફ, ગ્રામ સેવકો, તલાટીઓ અને સહકાર તેમજ પંચાયત વિભાગની સંયુક્ત ટીમો દ્વારા જિલ્લામાં ગામવાર તાલીમ શિબિરોનું સઘન સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ શિબિરો દરમિયાન ખેડૂતોને ખાસ કરીને કઠોળ અને તેલીબિયાંના પાકોમાં વૈકલ્પિક ખાતરોની અસરો વૈજ્ઞાનિક ઢબે સમજાવવામાં આવી રહી છે, તેમજ ખાતરોની કિંમત અને તેમાં રહેલા પોષકતત્વોની તુલના કરતા રસપ્રદ પોસ્ટરોનું પ્રદર્શન પણ યોજાઈ રહ્યું છે. જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવી રાખવા માટે સોઈલ હેલ્થ કાર્ડના રિપોર્ટ મુજબ જ ખાતરો નાખવા અને સંકલિત પોષણ વ્યવસ્થા (INM) એડવાઈઝરી અનુસરવા ખેડૂતોને ખાસ માર્ગદર્શન અપાઈ રહ્યું છે. આ ઉપરાંત, ભવિષ્યમાં ખાતર વિતરણ વ્યવસ્થા માટે ખૂબ જ અનિવાર્ય અને મહત્વપૂર્ણ એવા 'એગ્રી-સ્ટેક ફાર્મર આઈડી' બનાવવાની કામગીરી પણ આ વિશેષ કેમ્પ દરમિયાન વેગવંતી કરવામાં આવી છે.
Read Original Article →