મહીસાગરમાં નવનિયુક્ત પ્રભારી સચિવના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક:ચોમાસાની તૈયારીઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ પર ભાર; 'સહકાર' પ્રોજેક્ટની સરાહના

Gujarat4/9/2026, 12:51:05 PM
મહીસાગરમાં નવનિયુક્ત પ્રભારી સચિવના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક:ચોમાસાની તૈયારીઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ પર ભાર; 'સહકાર' પ્રોજેક્ટની સરાહના
મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નવનિયુક્ત પ્રભારી સચિવ કે. એલ. બચાણીના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના વિકાસ કાર્યો અને વહીવટી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી. સમીક્ષા બેઠકમાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને 'પ્રી-મોનસૂન પ્રિપરેશન' પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. પ્રભારી સચિવે આપત્તિ વ્યવસ્થાપન (ડિઝાસ્ટર મેનેજમેન્ટ)ની કામગીરી વધુ સુદ્રઢ બનાવવા પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે, ચોમાસા દરમિયાન કોઈપણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે ચોકસાઈપૂર્વકનું પૂર્વ આયોજન (માઈક્રો પ્લાનિંગ) કરવું જરૂરી છે. તમામ વિભાગોએ પરસ્પર ગાઢ સંકલન સાથે કામગીરી કરવા તેમણે માર્ગદર્શન આપ્યું, જેથી આપત્તિના સમયે નાગરિકોને ત્વરિત અને યોગ્ય મદદ પૂરી પાડી શકાય. પ્રભારી સચિવે સ્પષ્ટતા કરી કે, દેશ-દુનિયામાં ચાલતી કોઈપણ ગંભીર સ્થિતિ કે કટોકટીની પરિસ્થિતિની સીધી અસર જિલ્લાના નાગરિકો પર ન પડે તે માટે તંત્ર સજ્જ છે. તેમણે ખાતરી આપી કે મહીસાગર જિલ્લામાં હાલ એલ.પી.જી. (LPG) ગેસ સિલિન્ડરનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે નાગરિકોને રાંધણ ગેસની અછત ન સર્જાય અને છેવાડાના માનવી સુધી પુરવઠો રાબેતા મુજબ મળતો રહે તે સુનિશ્ચિત કરવા સચિવે વિભાગને સતર્ક રહેવા જણાવ્યું. વધુમાં, પ્રભારી સચિવે જિલ્લામાં પ્રગતિ હેઠળના વિવિધ કાર્યો પૈકી અગત્યના અને જનહિતના કામોને પ્રાથમિકતા આપી અગ્રતાના ધોરણે સત્વરે પૂર્ણ કરવા અધિકારીઓને દિશાનિર્દેશો આપ્યા. આ તકે તેમણે મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચલાવવામાં આવતા 'પ્રોજેક્ટ સહકાર'ની વિશેષ નોંધ લીધી હતી. તેઓ આ પ્રોજેક્ટની કામગીરીથી અત્યંત પ્રભાવિત થયા હતા અને વહીવટીતંત્રની સરાહના કરી હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા કલેક્ટર અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, જિલ્લા પોલીસ અધિક્ષક શફીન હસન, નિવાસી અધિક કલેક્ટર સી. વી. લટા સહિત સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →