મહીસાગર કલેકટરની પ્રેસ કોન્ફરન્સ: વિકાસ કાર્યક્રમોની જાહેરાત:મોદી સરકારના સફળ 12 વર્ષની ઉજવણીમાં છેવાડાના માનવીને જોડવાનો લક્ષ્યાંક
મહીસાગર જિલ્લા કલેકટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને લુણાવાડા જિલ્લા સેવા સદન ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં આગામી સમયમાં યોજાનાર વિવિધ લોકહિતલક્ષી કાર્યક્રમોની રૂપરેખા જાહેર કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા અને સરકારના 12 વર્ષના સફળ કાર્યકાળની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
રાજ્ય સરકારની સૂચના મુજબ, મહીસાગર જિલ્લામાં 5 જૂન 2026 થી 21 જૂન 2026 દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના માનવીને વિકાસ પ્રક્રિયામાં સહભાગી બનાવી સરકારી યોજનાઓનો મહત્તમ લાભ આપવાનો છે. કલેકટર અર્પિત સાગરે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ઉજવણીના ભાગરૂપે આગામી 11 જૂન 2026 ના રોજ સવારે 10 કલાકે લુણાવાડાના ડૉ. આંબેડકર હોલ ખાતે 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન' (પ્રબુદ્ધ નાગરિક સંમેલન) યોજાશે. આ સંમેલનમાં CSR પ્રવૃત્તિ હેઠળ અલિમ્કો કંપની દ્વારા અંદાજે 588 દિવ્યાંગજનોને 700 જેટલા સાધન સહાયના કીટનું વિતરણ કરવામાં આવશે. વધુમાં, 11 અને 12 જૂનના રોજ જિલ્લાના 10 ઉત્કૃષ્ટ સ્થળોની 'પ્રગતિપથ યાત્રા' યોજાશે. આ યાત્રામાં જિલ્લાના વિદ્યાર્થીઓ અને પ્રતિષ્ઠિત નાગરિકો મુલાકાત લઈ વિકાસ કાર્યોથી અવગત થશે. જિલ્લાના નાગરિકોને ઘરઆંગણે યોજનાકીય લાભો મળી રહે તે માટે જિલ્લા પંચાયત સીટ અને નગરપાલિકા વિસ્તારોમાં કુલ 31 'જનકલ્યાણ શિબિરો'નું આયોજન કરાયું છે. આ શિબિરોમાં સરકારની 15 મહત્વની યોજનાઓનો સમાવેશ કરાયો છે, જેનો સીધો લાભ અરજદારોને સ્થળ પર જ મળશે. સાથે જ, જિલ્લાના વિવિધ સ્થળોએ સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવશે. પર્યાવરણની જાળવણી અને સંરક્ષણના હેતુથી 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લામાં 15,000 થી વધુ વૃક્ષોનું વાવેતર કરવાનું લક્ષ્યાંક નિર્ધારિત કરાયું છે. આ ઉપરાંત, પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે આગામી 19 જૂન 2026 ના રોજ સવારે 10:00 કલાકે ધોળી, લુણાવાડા ખાતે 'પ્રાકૃતિક ખેતી કાર્યશાળા' યોજાશે, જેમાં ખેડૂતોને માર્ગદર્શન અને પ્રોત્સાહન અપાશે. આ 17 દિવસીય મહોત્સવનું સમાપન 21 જૂન 2026 ના રોજ 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી સાથે થશે. લુણાવાડાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણીમાં અંદાજે 2500 જેટલા નાગરિકો ઉપસ્થિત રહી યોગાભ્યાસ કરશે. કલેકટર અર્પિત સાગરે મહીસાગર જિલ્લાની જાહેર જનતાને આ તમામ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સરકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી છે.
Read Original Article →