ઈ-ફાર્મસીના વિરોધમાં મહીસાગરના કેમિસ્ટો મેદાને:20 મેના રોજ પ્રતીક બંધનું એલાન, કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
ઓનલાઈન ઈ-ફાર્મસી અને કોર્પોરેટ કંપનીઓની જોહુકમી સામે દેશવ્યાપી આંદોલનના ભાગરૂપે મહીસાગર કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે. આગામી 20 મે 2026ના રોજ એક દિવસીય પ્રતીક બંધના એલાન પૂર્વે એસોસિએશન દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. કલેક્ટર કચેરીએ ફાર્માસિસ્ટોની ઉમટી ભીડ ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ (AIOCD) અને ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિએશનના આદેશ મુજબ આ રજૂઆત કરવામાં આવી હતી. મહીસાગર કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ દિલીપ જાની, સેક્રેટરી કલ્પેશ ત્રિવેદી અને ખજાનચી રાહુલ શાહની આગેવાનીમાં મોટી સંખ્યામાં મેડિકલ સ્ટોર સંચાલકો કલેક્ટર કચેરીએ એકત્ર થયા હતા. પ્રતિનિધિમંડળે અધિક નિવાસી કલેક્ટર સી. વી. લટાને મળીને પડતર પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરી હતી. મુખ્ય પ્રશ્નો અને ચિંતાઓ એસોસિએશને આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, દેશભરમાં 12.40 લાખથી વધુ કેમિસ્ટો અને તેમના પર નિર્ભર અંદાજે 4 થી 5 કરોડ પરિવારોની આજીવિકા સામે ખતરો ઊભો થયો છે. મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે: પ્રેડેટરી પ્રાઇસિંગ: ઓનલાઈન ફાર્મસીઓ અને કોર્પોરેટ કંપનીઓ દ્વારા ગળાકાપ હરીફાઈ (Predatory Pricing) કરીને નાના વેપારીઓનું અસ્તિત્વ જોખમાવવામાં આવી રહ્યું છે. જાહેર આરોગ્ય સામે ખતરો: પ્રિસ્ક્રિપ્શન વગર અથવા જૂના પ્રિસ્ક્રિપ્શનના આધારે એન્ટિબાયોટિક્સ અને નશાકારક દવાઓનું ઓનલાઈન વેચાણ થઈ રહ્યું છે. આનાથી એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) જેવી ગંભીર સમસ્યાઓ સર્જાઈ રહી છે. ગેરકાયદેસર વેપાર: લાયકાત ધરાવતા ફાર્માસિસ્ટ વિના દવાનું વેચાણ દર્દીઓની સુરક્ષા માટે જોખમી છે. નોટિફિકેશન GSR 220(E) પાછું ખેંચવા માગ વેપારીઓએ માગ કરી છે કે કોવિડ-19 દરમિયાન અમલમાં મૂકાયેલું નોટિફિકેશન GSR 220(E) તાત્કાલિક પાછું ખેંચવામાં આવે, કારણ કે હાલના સમયમાં તેનો દુરુપયોગ વધી રહ્યો છે. વારંવારની રજૂઆતો છતાં કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા કોઈ નક્કર ઉકેલ ન આવતા કેમિસ્ટોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહીસાગરના કેમિસ્ટોએ સરકાર પાસે અપીલ કરી છે કે ઈ-ફાર્મસી અને કોર્પોરેટ કંપનીઓ સામે કડક નીતિઓ અમલમાં મૂકવામાં આવે, જેથી સામાન્ય નાગરિકોનું આરોગ્ય અને લાખો પરિવારોની આજીવિકા સુરક્ષિત રહી શકે.
Read Original Article →