ફેસબુક સ્ટોરી બાબતે આધેડને ઢોર માર માર્યો:મહીસાગરમાં ભાજપ નેતા પિનાકીન શુક્લ સહિત ચાર સામે લૂંટ, મારામારી અને ધમકીની ફરિયાદ

Gujarat5/27/2026, 2:59:39 PM
ફેસબુક સ્ટોરી બાબતે આધેડને ઢોર માર માર્યો:મહીસાગરમાં ભાજપ નેતા પિનાકીન શુક્લ સહિત ચાર સામે લૂંટ, મારામારી અને ધમકીની ફરિયાદ
મહીસાગર જિલ્લાના વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાજપ નેતા પિનાકીન શુક્લ સહિત ચાર આરોપીઓ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકવા જેવી નજીવી બાબતે એક આધેડ પર જીવલેણ હુમલો કરી, લૂંટ ચલાવી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં ભાજપ નેતા પિનાકીન શુક્લ સહિત ચાર આરોપીઓ સામે ગુનો નોંધાતા ચકચાર મચી ગઈ છે. રાત્રે ખાટલામાં સૂતેલા આધેડ પર હુમલો કર્યો વિરપુરના દાણી ફળિયામાં રહેતા 51 વર્ષીય ભદ્રેશ જસવંતલાલ સુથાર ગત તારીખ 22-05-2026 ના રોજ રાત્રે જમીને તેઓ પોતાના ઘરના કમ્પાઉન્ડમાં ખાટલા પર સૂતા હતા. દરમિયાન 23મેની મધ્યરાત્રિએ આશરે એકાદ વાગ્યાના સુમારે આરોપીઓ હથિયારો સાથે તેમના ઘરમાં ઘૂસી આવ્યા હતા. મુખ્ય આરોપી પિનાકીન શુક્લએ ખાટલામાં સૂતેલા ભદ્રેશ સુથારને લાત મારીને જગાડ્યા હતા અને ગાળો આપતા કહ્યું હતું કે, "તુ ફેસબુક ઉપર સ્ટોરી કોના કહેવાથી મુકે છે?" ત્યારબાદ તમામ આરોપીઓએ ભેગા મળીને ભદ્રેશ સુથાર પર હુમલો કરી દીધો હતો. પિનાકીન શુક્લએ લાકડાના ડંડા વડે જમણા હાથે અને શરીરે માર માર્યો. ચિરાગ જોષીએ લોખંડની પાઇપ ડાબા પગે ફટકારતા ચામડી ચીરાઈ ગઈ હતી. ગૌરાંગ બામણીયાએ લાકડાનો ડંડો કમરના ભાગે માર્યો હતો અને અન્ય એક અજાણ્યા આરોપીએ લાકડીઓ વડે શરીરે માર માર્યો હતો. આરોપીઓએ મોબાઈલ અને લેપટોપની લૂંટ કરી આરોપીઓએ ફરિયાદી ભદ્રેશ સુથારને ગડદાપાટુનો માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. એટલું જ નહીં, હુમલાખોરોએ ફરિયાદીના સોફા પર મૂકેલું રૂ.20000ની કિંમતનું લેપટોપ અને રૂ.5000 ની કિંમતના મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી. જતા-જતા આરોપીઓએ ધમકી આપી હતી કે, જો હવે ફેસબુક પર પોસ્ટ ચઢાવીશ તો જીવતો છોડીશ નહી અને પોલીસમાં ફરિયાદ કરીશ તો તને વીરપુર ભુલાવી દઈશ. ભયના કારણે લુણાવાડા અને ઝાલોદમાં સારવાર કરાવી હુમલા બાદ ગંભીર રીતે ઘવાયેલા ભદ્રેશ સુથાર પાસે મોબાઈલ ન હોવાથી અને પગે ઈજાને કારણે ચાલી ન શકતા હોવાથી, તેમજ આરોપીઓ ફરીથી વહેલી સવારે આવીને મારશે તેવા ડરથી તેઓ વહેલી સવારે મોટરસાયકલ લઈને લુણાવાડા ખાતે પરિચિતના ઘરે પહોંચ્યા હતા. ત્યાંથી તેમના દીકરાને જાણ કરીને ઝાલોદની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં તેમના ડાબા પગે બે ટાંકા આવ્યા હતા. પિનાકીન શુક્લ સહિત ચાર આરોપીઓ સામે પોલીસ ફરિયાદ ઈજાઓમાંથી રિકવર થયા બાદ ફરિયાદીએ 26 મેના રોજ વીરપુર પોલીસ સ્ટેશનમાં ભાજપ નેતા પિનાકીન શુક્લ સહિત ચાર આરોપીઓ સામે હુમલો, લૂંટ અને હત્યાની ધમકીની પોલીસ ફરિયાદ નોંધાવી છે. ભાજપ નેતા પિનાકીન શુક્લ વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
Read Original Article →