મહીસાગર: 108 ટીમે એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ કરાવી:નાળ વીંટળાયેલી હોવા છતાં માતા અને નવજાત બાળકીનો જીવ બચાવ્યો
મહીસાગર જિલ્લામાં 108 ઇમરજન્સી સેવાની ટીમે ફરી એકવાર સરાહનીય કામગીરી કરી છે. ખાનપુર તાલુકાના પાતાપુર-બોરવાઈ ગામની એક સગર્ભા મહિલાને પ્રસુતિ પીડા ઉપડતા 108નો સંપર્ક કરવામાં આવ્યો હતો. ડીટવાસ 108ની ટીમે સમયસર પહોંચી એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી માતા અને નવજાત બાળકીનો જીવ બચાવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, પાતાપુર-બોરવાઈ ગામના આશાબેન કપિલભાઈ પગીને અચાનક પ્રસુતિની પીડા ઉપડતા પરિવારજનોએ તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો. કોલ મળતા જ ડીટવાસ 108ની ટીમમાં ફરજ પર રહેલા ઇમરજન્સી મેડિકલ ટેક્નિશિયન (EMT) સુધાબેન ઠાકોર અને પાયલોટ જયેશ બારીયા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સગર્ભાની પ્રાથમિક તપાસ બાદ તેમને હોસ્પિટલ લઈ જવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જોકે, રસ્તામાં જ પ્રસુતિની પીડા અતિશય વધી જતા EMT સુધાબેન ઠાકોરે પરિસ્થિતિની ગંભીરતા પારખી પાયલોટને એમ્બ્યુલન્સ ઊભી રાખવા જણાવ્યું હતું. ત્યારબાદ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના ડૉક્ટર પંકજના માર્ગદર્શન હેઠળ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા અપાયેલી તાલીમનો ઉપયોગ કરીને એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવવામાં આવી હતી. આ પ્રસુતિ દરમિયાન એક જટિલતા સામે આવી હતી, જેમાં નવજાત બાળકીના ગળામાં નાળ વીંટળાયેલી હતી. તેમ છતાં, EMT સુધાબેન ઠાકોરે પોતાની કુશળતા અને અનુભવનો ઉપયોગ કરીને નાળને સુરક્ષિત રીતે દૂર કરી સફળ પ્રસુતિ કરાવી હતી. માતાએ એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો. સફળ પ્રસુતિ બાદ માતા અને નવજાત બાળકી બંનેને વધુ સારવાર અને નિરીક્ષણ માટે બાકોર CHC ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ બંનેની તબિયત સ્થિર અને સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. 108 ઇમરજન્સી સેવાની આ ઝડપી અને સમયસૂચક કામગીરી બદલ પરિવારજનોએ સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
Read Original Article →