મહીસાગરની 108 ટીમે સગર્ભાની સફળ પ્રસૂતિ કરાવી:પાંડરવાડામાં માતા અને નવજાત બાળકીનો જીવ બચાવ્યો, બંનેને બાકોર સામૂહિક કેન્દ્ર દાખલ કરાયા
મહીસાગર જિલ્લામાં 108 ઇમરજન્સી સેવાએ ફરી એકવાર સરાહનીય કામગીરી કરી છે. ખાનપુર તાલુકાના પાંડરવાડા વિસ્તારમાં વડાગામ 108 ટીમે સમયસૂચકતા વાપરીને એક સગર્ભા મહિલાની સફળ પ્રસૂતિ કરાવી માતા અને નવજાત બાળકીનો જીવ બચાવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, પાંડરવાડા વિસ્તારમાં રહેતી એક મહિલાને વહેલી સવારે અચાનક પ્રસૂતિની પીડા ઉપડતા પરિવારજનોએ તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ વડાગામ 108 ની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સગર્ભાની ગંભીર સ્થિતિને પારખીને, ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન (EMT) સાગર ઠાકોર અને પાયલટ મયુરભાઈ પટેલે સમય વેડફ્યા વિના ઘટનાસ્થળે જ પ્રસૂતિ કરાવવાનો ત્વરિત નિર્ણય લીધો. તેમણે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પર ફરજ બજાવતા ફિઝિશિયન ડો. મહેશ સરના ઓન-કોલ માર્ગદર્શન હેઠળ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા અપાયેલી તાલીમનો ઉપયોગ કર્યો. આ ટીમે સુરક્ષિત અને સફળ પ્રસૂતિ કરાવી, જેમાં માતાએ એક સ્વસ્થ નવજાત પુત્રીને જન્મ આપ્યો. પ્રાથમિક સારવાર બાદ માતા અને બાળક બંનેને વધુ સંભાળ માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર, બાકોર ખાતે દાખલ કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારના 'માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના' સંકલ્પને વડાગામ 108ની આ ટીમે ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યો છે. 108 સેવાની આ સમયસૂચકતા અને ઉત્કૃષ્ટ કામગીરીથી બે જીંદગી બચવા બદલ પરિવારજનોએ ટીમનો અને રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
Read Original Article →