મહી નદીમાં ડૂબેલા બીજા યુવકનો મૃતદેહ મળ્યો:ગઈકાલે લીંબોદરા ગામ પાસે બે યુવકો ડૂબી ગયા હતા, એકની લાશ મળી હતી

Gujarat6/9/2026, 9:52:16 AM
મહી નદીમાં ડૂબેલા બીજા યુવકનો મૃતદેહ મળ્યો:ગઈકાલે લીંબોદરા ગામ પાસે બે યુવકો ડૂબી ગયા હતા, એકની લાશ મળી હતી
મહીસાગર જિલ્લામાં મહી નદીમાં ડૂબી જવાથી બે યુવકોના મોત થયા છે. આ ઘટના લીંબોદરા ગામ પાસેથી પસાર થતી મહી નદીમાં બની હતી, જ્યાં યુવકો નાહવા ગયા હતા. લુણાવાડા શહેરના વતની અને અમદાવાદમાં રહેતા બે યુવાનો ગઈકાલે પોતાના નાના બાળકો સાથે મહી નદીમાં નાહવા પડ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, ત્રણ યુવકો પાણીમાં ડૂબવા લાગ્યા હતા, જેમાંથી એકને બચાવી લેવાયો હતો. જોકે, અન્ય બે યુવકો નદીના ઊંડાણ અને તેજ પ્રવાહમાં તણાઈ જતાં તેમનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ ગઈકાલે બપોરે પોલીસને થતાં લુણાવાડા ટાઉન પોલીસ અને લુણાવાડા નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર બ્રિગેડ દ્વારા મહી નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ભારે શોધખોળ બાદ સાંજના સમયે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. બીજા યુવકની શોધખોળ આજે બીજા દિવસે પણ ચાલુ રહી હતી, અને આજે તેનો મૃતદેહ પણ મળી આવ્યો છે. મૃતક યુવકોમાં આઝમખાન ઇમ્તિયાઝ ખાન પઠાણ અને આસિફ યુસુફનો સમાવેશ થાય છે. બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લુણાવાડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. વહીવટી તંત્ર દ્વારા નદી, જળાશય અને તળાવમાં નાહવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવા છતાં, લોકો ઘણીવાર આવા જોખમી સ્થળોએ નાહવા જઈને જીવ ગુમાવતા હોય છે.
Read Original Article →