મહીસાગર નદીમાં બે યુવકો ડૂબ્યા:લુણાવાડા નજીક એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ ચાલુ
લુણાવાડા નજીક મહીસાગર નદીમાં નાહવા ગયેલા બે યુવકો પાણીના પ્રવાહમાં તણાઈ જતાં દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે બીજા યુવકની શોધખોળ ચાલુ છે. આ યુવકો લીંબોદરા ગામ પાસે નદીમાં નાહવા ગયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, લુણાવાડા શહેરના આઝમખાન ઇમ્તિયાઝ ખાન પઠાણ અને આસિફ યુસુફ નામના બે યુવકો નદીમાં નાહવા પડ્યા હતા. તેમાંથી એક યુવક ઊંડા પાણીમાં જતાં ડૂબવા લાગ્યો હતો. તેને બચાવવાના પ્રયાસમાં બીજો યુવક પણ પાણીમાં પડ્યો હતો, પરંતુ પાણીના તેજ પ્રવાહમાં બંને તણાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો એકઠા થયા હતા. ત્યારબાદ પોલીસ અને લુણાવાડા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તેમણે બચાવ અને શોધખોળની કામગીરી શરૂ કરી હતી. ફાયર વિભાગ દ્વારા નદીમાં સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સર્ચ ઓપરેશન દરમિયાન બેમાંથી એક યુવકનો મૃતદેહ ભમરા ગામ નજીકથી મળી આવ્યો છે. જોકે, અન્ય યુવકની શોધખોળ હજુ પણ ચાલુ છે. આ કરુણ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને લોકોને નદી-તળાવ જેવા જળાશયોમાં સાવચેતી રાખવા અપીલ કરી છે.
Read Original Article →