લુણાવાડામાં શનિ જયંતિની ઉજવણી:શનિદેવ મંદિરે વિશેષ પૂજા અને મહાપ્રસાદનું આયોજન, મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા

Gujarat5/16/2026, 3:56:31 PM
લુણાવાડામાં શનિ જયંતિની ઉજવણી:શનિદેવ મંદિરે વિશેષ પૂજા અને મહાપ્રસાદનું આયોજન, મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા
આજે વૈશાખ મહિનાની અમાસના દિવસે ન્યાયના દેવતા ભગવાન શનિદેવનો જન્મોત્સવ, શનિ જયંતિ ઉજવવામાં આવી હતી. આ વર્ષે શનિ જયંતિ શનિવારના દિવસે આવતા એક દુર્લભ સંયોગ બન્યો હતો, જેના કારણે તેનું મહત્વ અનેકગણું વધી ગયું હતું. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતેના શનિદેવ મંદિરે આ નિમિત્તે વિશેષ પૂજા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. શાસ્ત્રો અનુસાર, શનિદેવને કર્મોના ફળદાતા માનવામાં આવે છે. શનિ જયંતિના દિવસે જ શનિવારનો સંયોગ ભક્તો માટે અત્યંત કલ્યાણકારી અને વિશેષ યોગ સર્જનારો ગણાય છે. જ્યોતિષીય દૃષ્ટિએ, જેમની કુંડળીમાં શનિની સાડાસાતી, ઢૈયા અથવા રાહુ-કેતુ સંબંધિત કોઈ દોષ હોય, તેમના માટે આ દિવસ મુક્તિ મેળવવા માટે સર્વોત્તમ મનાય છે. લુણાવાડાના ધોળી રોડ પર પોલીસ લાઇન પાસે આવેલા શનિદેવ મંદિરે સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ શનિદેવની મૂર્તિ પર સરસવના તેલનો અભિષેક કર્યો હતો અને કાળા તલ અર્પણ કર્યા હતા. સાંજના સમયે, ભક્તો દ્વારા પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવીને "ૐ શં શનૈશ્ચરાય નમઃ" મંત્રનો જાપ કરવામાં આવ્યો હતો. શનિ જયંતિ નિમિત્તે શનિદેવ મંદિરને રંગબેરંગી ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં આવેલા હનુમાનજીના મંદિર અને વિશાળ હનુમાનજીની પ્રતિમાને પણ સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, મંદિરમાં મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું, જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. અહીં દર વર્ષે શનિ જયંતિ અને હનુમાન જયંતિ પર મહાપ્રસાદી અને મહાપૂજાનું આયોજન થાય છે. મંદિરમાં નિરંતર પૂજા અર્ચના કરતા પૂજારી પ્રહલાદભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, આ પવિત્ર અને દુર્લભ શનિ પ્રદોષ અને શનિ જયંતિના મહાસંયોગ પર ભગવાન શનિદેવ સૌના જીવનના તમામ કષ્ટો અને અવરોધો દૂર કરે તેવી પ્રાર્થના છે. તેમણે લુણાવાડામાં નિર્માણાધીન પ્રથમ અન્નપૂર્ણા માતાજીના મંદિરની પણ જાણકારી આપી અને ભક્તોને દર્શનનો લાભ લેવા અનુરોધ કર્યો.
Read Original Article →