લુણાવાડામાં બેફામ સ્કોર્પિયો 3 બાળકોને અડફેટે લીધા:ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ખસેડાયા, ચાલક નશાની હાલતમાં હોવાનો આક્ષેપ; સ્થાનિકોમાં રોષ
મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં એક માર્ગ અકસ્માત સર્જાયો છે. શહેરના આરામપુરા વિસ્તારમાં બેફામ સ્કોર્પિયો કાર ચાલકે ઘરના આંગણામાં રમી રહેલા ત્રણ બાળકોને અડફેટે લીધા હતા, જેમાં તમામ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આખો બનાવ કેવી રીતે બન્યો?
લુણાવાડાના આરામપુરા વિસ્તારમાં વાસીયા તળાવ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલી GJ 18 EH 4001 નંબરની કાળા રંગની સ્કોર્પિયો કારે ઘર આંગણે રમી રહેલા 3 નિર્દોષ બાળકોને અડફેટે લીધા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે બાળકોને ગંભીર ઇજાઓ પહોંચાડ્યા બાદ કાર એક વીજપોલ સાથે અથડાઈ હતી, જેના કારણે વીજપોલ ધડાકાભેર તૂટી પડ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કાર ચાલક ભારે નશાની હાલતમાં હતો. અકસ્માત બાદ ટોળા ઉમટ્યાં
અકસ્માતને પગલે સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ તંગ બની ગયું હતું. ઘટનાની જાણ થતાં જ મહીસાગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. DySP કમલેશ વસાવાએ પણ ઘટનાસ્થળની મુલાકાત લઈને તપાસના આદેશ આપ્યા છે, જ્યારે વધુ પુરાવા એકત્ર કરવા માટે FSLની ટીમને પણ બોલાવવામાં આવી છે. ઇજાગ્રસ્ત બાળકના દાદીની આપવીતી
અકસ્માત સમયે હાજર ઇજાગ્રસ્ત બાળકના દાદીએ ધ્રુજતા અવાજે જણાવ્યું હતું કે, હું કામ પતાવીને પરત ફરી રહી હતી ત્યારે એક કાર અત્યંત સ્પીડમાં આવતી જોઈ. પોતાનો જીવ બચાવવા હું અને નજીકના ગલ્લાવાળા બહેન તાત્કાલિક એક દુકાન પાછળ છુપાઈ ગયા. કાર અમારા પર પણ ચડી ગઈ હોત. અકસ્માત બાદ મેં આવીને જોયું તો કાર સીધી અમારા ઓટલા પર ચડી ગઈ હતી અને મારો પૌત્ર લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. તેની માતા આ દ્રશ્ય જોઈને બેભાન થઈ ગઈ હતી.આ અકસ્માતમાં આજુબાજુના 2 અને મારો 1 મળી કુલ 3 બાળકોને ગંભીર ઇજાઓ થઈ છે. એક બાળકની ચામડી પણ ફાટી ગઈ છે. કાર ચાલક એટલો નશામાં હતો કે તેને ગાડી પર કોઈ કાબૂ નહોતો. પોલીસ કાર્યવાહી અને તપાસ
પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરી લીધી છે. ચાલકને પણ ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર અર્થે લુણાવાડાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ, ગંભીર રીતે ઘવાયેલા ત્રણેય બાળકોને વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક મોડાસા રિફર કરવામાં આવ્યા છે. DySP કમલેશ વસાવાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક માહિતી અનુસાર કારમાં માત્ર 1 જ વ્યક્તિ સવાર હતો અને તેની ધરપકડ કરી લેવાઈ છે. આરોપી ચાલક ગાંધીનગરનો રહેવાસી છે અને લુણાવાડામાં કોઈ પ્રસંગમાં હાજરી આપવા આવ્યો હતો. આરોપીએ દારૂ કે અન્ય કોઈ કેફી દ્રવ્યનું સેવન કર્યું હતું કે નહીં, તેની તબીબી તપાસ કરાવવામાં આવી રહી છે. રહેણાક અને સતત અવરજવર વાળા આ વિસ્તારમાં બેફામ કાર ચલાવી માસૂમોનો જીવ જોખમમાં મૂકનાર નશાખોર ચાલક સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Read Original Article →