મહીસાગર SOGએ અપહરણના આરોપીને ઝડપ્યો:કોઠંબા પોલીસ સ્ટેશનના ગુનામાં રાજકોટથી ભોગ બનનાર સાથે આરોપીને ઝડપી લીધો
મહીસાગર SOGએ કોઠંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં ફરાર આરોપી રાજેશકુમાર કાળુ પગીને રાજકોટ જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન ભોગ બનનાર પણ મળી આવી હતી. પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા નાસતા ફરતા આરોપીઓ અને ગુમ થયેલા બાળકોને શોધવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે મહીસાગર SOG પીઆઈ વી.ડી. ધોરડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.બી. સિસોદીયા અને SOG સ્ટાફની ટીમો બનાવવામાં આવી હતી. SOG પીઆઈ વી.ડી. ધોરડાને ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમી મુજબ, કોઠંબા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 137(2) અને 87 હેઠળ નોંધાયેલા ગુનાનો ફરાર આરોપી રાજેશકુમાર કાળુ પગી, જે કોલવણ ઝરખલા ફળિયું, તા. લુણાવાડા, જી. મહીસાગરનો રહેવાસી છે, તે હાલ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેપુર ગામે એક કારખાનામાં મજૂરી કરી રહ્યો હતો. આ બાતમીના આધારે SOG પીએસઆઈ એચ.બી. સિસોદીયા, એ.એસ.આઈ. કિર્તિપાલસિંહ, હેડ કોન્સ્ટેબલ અક્ષયકુમાર, કોન્સ્ટેબલ નથુભાઈ અને વુમન પોલીસ કોન્સ્ટેબલ લીલાબેનની ટીમે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરી હતી. ત્યાંથી આરોપી રાજેશકુમાર પગી અને ભોગ બનનાર બંને મળી આવ્યા હતા. SOG ટીમે આરોપીને કસ્ટડીમાં લીધો હતો અને ભોગ બનનાર સાથે મહીસાગર જિલ્લામાં લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ, આગળની કાયદેસરની કાર્યવાહી માટે આરોપી અને ભોગ બનનારને કોઠંબા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
Read Original Article →