કોઠંબામાં ઇક્કો ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો:ગઢ ગામ પાસેથી ₹5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Gujarat5/19/2026, 1:03:58 PM
કોઠંબામાં ઇક્કો ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો:ગઢ ગામ પાસેથી ₹5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
કોઠંબા પોલીસે ગઢ ગામ પાસેથી એક ઇક્કો ગાડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹5,04,510 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં દારૂ અને ગાડીનો સમાવેશ થાય છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસન અને નાયબ પોલીસ વડા કમલેશ વસાવા (લુણાવાડા વિભાગ)ની સૂચના હેઠળ વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ સૂચનાના અમલીકરણ માટે કોઠંબા પીઆઇ પી.આર. બલાત દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન વોચ તપાસ માટે સ્ટાફને સૂચના અપાઈ હતી. સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ કિરણભાઈને બાતમી મળી હતી. બાતમી મુજબ, ઉંડારા તરફથી એક સફેદ ઇક્કો ગાડીમાં વિદેશી દારૂ ભરીને આવી રહી હતી. સર્વેલન્સ ટીમે ગઢ પોંગળી માતાજીના મંદિર નજીક રોડ પર આડાશ કરીને વોચ ગોઠવી હતી. ગાડી આવતા તેને રોકવાનો ઈશારો કરતા ચાલકે ગાડી પૂરઝડપે ભગાવી હતી. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા ચાલક ગાડી રોડ પર મૂકીને ફરાર થઈ ગયો હતો. ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની બોટલો અને ટીન બિયર મળી કુલ 1633 નંગ બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹2,94,510 છે. આ ઉપરાંત, ₹2,10,000 ની ઇક્કો ગાડી પણ જપ્ત કરવામાં આવી હતી. કુલ મળીને ₹5,04,510 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ગાડી પર ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી. આ મામલે કોઠંબા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ કલમ 65(એ)(ઈ), 116(બી), 98(2) તથા ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 281, 336(2), 336(3), 340(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરાર થયેલા ગાડીના ચાલકની ઓળખ કરવાની કાર્યવાહી ચાલુ છે.
Read Original Article →