મહીસાગરમાં 123 કરોડના નલ સે જલ કૌભાંડમાં વધુ એક ધરપકડ:CID ક્રાઈમે લુણાવાડાના નાની દેનાવાડ ગામના સરપંચને ઝડપી પાડ્યો

Gujarat5/20/2026, 2:42:25 PM
મહીસાગરમાં 123 કરોડના નલ સે જલ કૌભાંડમાં વધુ એક ધરપકડ:CID ક્રાઈમે લુણાવાડાના નાની દેનાવાડ ગામના સરપંચને ઝડપી પાડ્યો
મહીસાગર જિલ્લાના બહુચર્ચિત રૂ. 123 કરોડના નલ સે જલ કૌભાંડમાં CID ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આ વખતે એક સરપંચની ધરપકડ થતાં પાણી સમિતિ બનાવી કૌભાંડ આચરનારા અન્ય સરપંચોમાં ફફડાટ ફેલાયો છે. CID ક્રાઈમ બ્રાન્ચે લુણાવાડા તાલુકાના નાની દેનાવાડ ગામના સરપંચ ભરત પટેલની તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી છે. આ કૌભાંડમાં અત્યાર સુધી કોન્ટ્રાક્ટરો અને તત્કાલીન કર્મચારીઓની ધરપકડ થઈ હતી, પરંતુ હવે સરપંચોની સંડોવણી પણ સામે આવી રહી છે. તપાસમાં સામે આવ્યું છે કે સરપંચ ભરત પટેલે વાસ્મો દ્વારા પાણી સમિતિ માટે બનાવવામાં આવેલા બેંક એકાઉન્ટમાંથી પોતાના નામે એક લાખ રૂપિયા ઉપાડ્યા હતા. CID ક્રાઈમ દ્વારા કેટલાક અન્ય સરપંચોને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે અન્ય સરપંચોમાં દોડધામ મચી છે. ઉલ્લેખનીય છે કે, આ કૌભાંડ અંગે 22 જૂનના રોજ વાસ્મોના હાલના યુનિટ મેનેજર ગિરીશ અગોલાએ વડોદરા CID ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારથી CID દ્વારા સતત તપાસ ચાલી રહી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 27 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જેમાં 5 તત્કાલીન કર્મચારીઓ, 17 ઇજારેદારો, ફરિયાદ બહારના 4 કર્મચારીઓ અને આજે ઝડપાયેલા 1 સરપંચનો સમાવેશ થાય છે. બીજી તરફ, કરોડો રૂપિયાની રિકવરી ધરાવતા કેટલાક કોન્ટ્રાક્ટરો હજુ પણ ખુલ્લેઆમ ફરી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, જેના કારણે CIDની કાર્યવાહી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. જિલ્લાના મોટાભાગના ગામોમાં ગેરરીતિઓ સામે આવી હોવા છતાં, લોકોને હજુ પણ નિયમિત પાણીની સુવિધા મળી નથી. સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા “નલ સે જલ” યોજનામાં એક વર્ષથી વધુ સમય વીતી ગયા બાદ પણ તપાસ ગોકળગતિએ ચાલી રહી હોવાના આક્ષેપો છે. લોકોમાં હવે એ સવાલ ઉઠી રહ્યો છે કે સરકાર ક્યારે કૌભાંડના નાણાં વસૂલશે, નવી કામગીરી શરૂ થશે અને ગામડાઓ સુધી પીવાનું પાણી પહોંચાડશે.
Read Original Article →