અઢી લાખ લઈ લગ્ન કરાવ્યા, દોઢ મહિને નવવધુ ગાયબ:મહીસાગરના બાલાસિનોરમાં લગ્ન છેતરપિંડીનો કેસ, પોલીસે તપાસ શરૂ કરી

Gujarat4/4/2026, 2:44:26 PM
અઢી લાખ લઈ લગ્ન કરાવ્યા, દોઢ મહિને નવવધુ ગાયબ:મહીસાગરના બાલાસિનોરમાં લગ્ન છેતરપિંડીનો કેસ, પોલીસે તપાસ શરૂ કરી
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં લગ્નના નામે છેતરપિંડી કરતી ટોળકીનો પર્દાફાશ થયો છે. એક યુવક સાથે લગ્ન કરાવી 2.50 લાખ રૂપિયા પડાવ્યા બાદ, નવવધુ દોઢ મહિનામાં જ પરંપરાગત રિવાજનું બહાનું ધરીને પિયર ગયા બાદ પરત ન ફરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આંતરરાજ્ય ગેંગની સંડોવણી અંગે તપાસ હાથ ધરી છે. બાલાસિનોરના બાવલા તાબે માલના મુવાડા ગામમાં રહેતા 30 વર્ષીય રંગીત પરમારના અગાઉ છૂટાછેડા થયા હોવાથી તેઓ બીજા લગ્ન માટે યોગ્ય પાત્રની શોધમાં હતા. આ દરમિયાન ભાથી પરમાર, દશરથ ચૌહાણ અને ગીતા ચૌહાણ નામના શખ્સોએ તેમનો સંપર્ક કર્યો હતો અને રેણુકા નામની યુવતી સાથે લગ્ન કરાવવાની ઓફર મૂકી હતી. મંદિરમાં લગ્ન અને લાખોની લેતીદેતી આરોપીઓ રેણુકાને યુવકના ઘરે લઈ આવ્યા હતા. પરિવારે યુવતીને પસંદ કરતા મંદિરમાં ફૂલહાર વિધિ દ્વારા સાદગીથી લગ્ન સંપન્ન કરાવ્યા હતા. આ લગ્ન કરાવવા બદલ આરોપીઓએ યુવકના પરિવાર પાસેથી 2,50,000 રૂપિયા રોકડા મેળવ્યા હતા. દોઢ મહિના બાદ છેતરપિંડીનો ખુલાસો લગ્ન બાદ આશરે 45 દિવસ સુધી નવવધુ સાસરીમાં રહી હતી. ત્યારબાદ આરોપીઓ 'રીવાજ મુજબ વરતા પગલા' કરવાના બહાને તેને તેડી ગયા હતા. લાંબો સમય વીતવા છતાં પત્ની પરત ન આવતા અને આરોપીઓ દ્વારા સંતોષકારક જવાબ ન મળતા રંગીત પરમારને છેતરપિંડીનો અહેસાસ થયો હતો. જ્યારે પરિવારે નાણાં પરત માંગ્યા અથવા પોલીસ ફરિયાદની ચીમકી આપી, ત્યારે તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. પોલીસ તપાસ તેજ આ મામલે DYSP કમલેશ વસાવાએ જણાવ્યું હતું કે, "બાલાસિનોર તાલુકા પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રાથમિક તપાસ મુજબ યુવતી રાજસ્થાનની હોવાનું જાણવા મળ્યું છે. આ એક વ્યવસ્થિત નેટવર્ક હોવાની આશંકા છે, જે અંતર્ગત અન્ય કેટલા લોકો ભોગ બન્યા છે અને ગેંગમાં કોણ-કોણ સામેલ છે તે દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે."
Read Original Article →