સંતરામપુરની બટકવાડા પંચાયતમાં લાફાવાળી, વીડિયો વાઈરલ:સામાન્ય સભામાં હોબાળો અને મારામારી, વિકાસના કામો મુદ્દે મામલો બિચક્યો
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બટકવાડા ગ્રામ પંચાયતમાં સામાન્ય સભા દરમિયાન ભારે હોબાળો અને મારામારી સર્જાઈ હતી. વિકાસના કામોને લઈને થયેલી ઉગ્ર બોલાચાલી લાફાવાળી સુધી પહોંચી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગ્રામ પંચાયતની સભામાં ગામના વિકાસ કાર્યોને લઈને એક વ્યક્તિ અને પૂર્વ મહિલા ડેપ્યુટી સરપંચ તેમજ હાલના મહિલા સભ્યના પતિ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી એટલી વણસી ગઈ કે એક વ્યક્તિએ મહિલા સભ્યના પતિને જાહેરમાં લાફા મારી દીધા હતા. આ ઘટનાને કારણે સભામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરિસ્થિતિ વધુ વણસતા પંચાયતની બેઠક બરખાસ્ત કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ લાફા ખાધેલા વ્યક્તિએ પંચાયતની બહાર નીકળી ડંડો હાથમાં લઈને સામેવાળા વ્યક્તિને મારવા માટે દોટ મૂકી હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર ઘટનાના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઈ રહ્યા છે, જેમાં ગ્રામ પંચાયતની બેઠક દરમિયાન સર્જાયેલો હોબાળો અને ઉગ્ર વાતાવરણ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
Read Original Article →