બાલાસિનોર ડમ્પિંગ સાઇટ: દૂષિત પાણી મુદ્દે રજૂઆત:કોંગ્રેસ અને ગ્રામજનોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

Gujarat5/26/2026, 2:05:05 PM
બાલાસિનોર ડમ્પિંગ સાઇટ: દૂષિત પાણી મુદ્દે રજૂઆત:કોંગ્રેસ અને ગ્રામજનોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
બાલાસિનોર નજીક જમિયતપુરા ડમ્પિંગ સાઇટ આસપાસના વિસ્તારમાં કુવાઓમાંથી લાલ પાણી નીકળવાના મુદ્દે કોંગ્રેસ અને સ્થાનિક આગેવાનોએ અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. આ આવેદનપત્રમાં દૂષિત પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે. જમિયતપુરા ડમ્પિંગ સાઇટ પર કેમિકલ કચરો ઠાલવવામાં આવતો હોવાથી આસપાસના કુવાઓમાં લાલ રંગનું પાણી નીકળવાની સમસ્યા છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહી છે. આના કારણે સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાનો ભય વ્યક્ત કરાયો છે. થોડા દિવસો અગાઉ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા કુવાઓના પાણીના નમૂના લેવામાં આવ્યા હતા. જોકે, આટલો સમય વીતી જવા છતાં GPCBનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી, જેના કારણે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે.જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ, જિલ્લા પ્રમુખ હર્ષદ પટેલ અને જમિયતપુરા ગામના લોકોએ અધિક જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી. તેમણે કેમિકલયુક્ત લાલ પાણીની બોટલો સાથે રાખીને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.રજૂઆત દરમિયાન, આગેવાનોએ માંગ કરી હતી કે જો GPCBનો રિપોર્ટ ન આવે, તો અધિક કલેક્ટર લેખિતમાં પ્રમાણિત કરે કે આ પાણી પીવાલાયક છે. જો પાણી પીધા પછી ગ્રામજનોને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા થાય, તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આ ઉપરાંત, જ્યાં સુધી પાણીના નમૂનાનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી ડમ્પિંગ સાઇટ બંધ કરવાની પણ માંગ કરવામાં આવી હતી. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારી આ ડમ્પિંગ સાઇટ બંધ કરવા માટે આ છેલ્લું અલ્ટિમેટમ હોવાનું જણાવી, ટૂંક સમયમાં રિપોર્ટ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
Read Original Article →