લ્યો બોલો!:યુવાનો રોજગારી શોધે છે, અને સુધરાઇમાં 58 વર્ષની ઉપરના કરે છે નોકરી

Gujarat5/14/2026, 2:01:02 AM
ભુજ નગરપાલિકામાં કર્મચારી માળખું અને ભરતી પ્રક્રિયા અંગે ફરી સવાલો ઉઠ્યા છે. શહેરના વિકાસ સાથે પાલિકાની કામગીરી વધતી હોવા છતાં સ્ટાફ ગોઠવણીમાં વિસંગતતા જોવા મળી રહી છે. પાલિકાના વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ પાલિકાનું મંજૂર મહેકમ આશરે 360નું હોવું જોઈએ, જેમાંથી 20 ટકા જેટલી જગ્યાઓ પર કાપ છે. બીજી તરફ છેલ્લા ઘણા વર્ષોથી 11 મહિના અથવા ફિક્સ વેતનના કરાર પર રાખવામાં આવેલા 200થી વધુ કર્મચારીઓના કરાર વારંવાર રીન્યુ થતા રહ્યા છે. રોજમદાર કર્મચારીઓ માટે સરકારના નિયમ મુજબ મર્યાદિત સંખ્યા જાળવવાની હોવા છતાં કેટલાક વિભાગોમાં જરૂર કરતાં વધુ સ્ટાફ હોવાનું સામે આવ્યું છે. ટેક્સ શાખામાં 11 વોર્ડ માટે આશરે 20 કર્મચારી, જન્મ-મરણ શાખા અને કલેક્શન સેન્ટરમાં વધારાનો સ્ટાફ તેમજ લગ્ન નોંધણી વિભાગમાં પણ પાંચ જેટલા કરાર આધારિત કર્મચારીઓ ફરજ બજાવતા હોવાનું કહેવાય છે. હવે મોટેભાગે ઓનલાઈન પ્રક્રિયાઓ થઈ ગઈ છે, ત્યારે સ્ટાફ વધારો કેમ હોય. હિસાબી શાખામાં સાત કર્મચારીઓ હોવા અંગે પણ ચર્ચા ચાલી રહી છે. સૌથી ગંભીર મુદ્દો વયમર્યાદાનો સામે આવ્યો છે. પાલિકામાં કાયમી કે રોજમદાર માટે 58 વર્ષની મર્યાદા હોવા છતાં અંદાજે 15 જેટલા કર્મચારીઓ 60થી 64 વર્ષની ઉંમર સુધી સેવા આપી રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. યુવાનો રોજગારી માટે ભટકતા હોય ત્યારે નિવૃત્તિ બાદ પણ નોકરી ચાલુ રહેતા અસંતોષ ફેલાયો છે. મળતી માહિતી મુજબ 2008 બાદ ભુજ નગરપાલિકાએ સરકાર પાસે નવી મંજૂર જગ્યાઓ માટે અસરકારક રજૂઆત કરી નથી અથવા મંજૂરી મળી નથી. હવે આઠ દિવસમાં નવી બોડી સત્તા સંભાળે તે પહેલાં મુખ્ય અધિકારી દ્વારા નિષ્પક્ષ તપાસ કરી વધારાના તથા વયમર્યાદા પાર કરેલા કર્મચારીઓ અંગે નિર્ણય લેવાય તેવી માંગ ઉઠી છે. એક અંદાજ મુજબ આવા કર્મચારીઓને નિવૃત્ત કરવામાં આવે તો દર મહિને લગભગ ત્રણ લાખ રૂપિયાની બચત થઈ શકે છે.
Read Original Article →